Western Times News

Gujarati News

અમરેલી જિલ્લામાં ગરમી વધતાં બપોરના સમયે રસ્તાઓ સુમસાન બન્યા

બપોરના ૧ વાગ્યા પછી તો રસ્તાઓ પરથી લોકોની અવરજવર પણ ઓછી થઈ જાય છે બપોરના સમયે લોકો કામ વિના બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

અમરેલી, અમરેલી જિલ્લામાં ઉનાળાનો તાપ વર્તાવા લાગ્યો છે. સતત પડી રહેલા તડકાને કારણે રોડ-રસ્તા સુમસાન બન્યા છે. ઉનાળાની શરૂઆતથી જ અહીંનું તાપમાન ૪૦ ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે. ઉનાળાની શરૂઆતથી જ કાળઝાળ ગરમીના એંધાણ વર્તાઈ રહ્યા છે. અમરેલી જિલ્લામાં તાપમાન પહેલા જ દિવસોમાં ૪૦ ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જેના કારણે બપોરના સમયે શહેર અને ગામડાના રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે.

અમરેલી જિલ્લાના ૧૧ તાલુકાઓમાં ઉનાળો આકરો રહેવાના સંકેત મળી રહ્યા છે. હજુ તો ઉનાળાના ઘણા દિવસો બાકી છે, તેથી આ વર્ષનો ઉનાળો ખૂબ જ કપરો પુરવાર થાય તેવી શક્્યતા છે. બપોરના ૧ વાગ્યા પછી તો રસ્તાઓ પરથી લોકોની અવરજવર પણ ઓછી થઈ જાય છે. બપોરના સમયે લોકો કામ વિના બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

પ્રાથમિક ઉનાળાનો અનુભવ થવા લાગ્યો છે અને ગરમીથી રાહત મેળવવા લોકો શેરડીનો રસ, ઠંડા પીણા અને લીચી જેવા વિકલ્પો તરફ વળ્યા છે. તરબૂચ અને ટેટીનું વેચાણ પણ વધ્યું છે જે દર્શાવે છે કે લોકો ગરમીનો સામનો કરવા તૈયારી કરી રહ્યા છે. હાલમાં ગરમી અને સૂકા વાતાવરણને કારણે શાકભાજીના પાકોને સાંજે અથવા સવારે હળવું પાણી આપવું જરૂરી છે.

ગરમીની તીવ્ર અસરથી બચાવવા માટે શાકભાજી અને બાગાયતી પાકોને પાક અવશેષો અથવા પ્લાસ્ટિકથી ઢાંકી શકાય છે, જેનાથી જમીનમાં ભેજ પણ જળવાઈ રહેશે. આ ઉપરાંત, શાકભાજી અને બાગાયતી પાકોને સૂર્યના સીધા તડકાથી બચાવવા માટે શણના કંટાળનો ઉપયોગ કરી શકાય છે અથવા જુવાર-બાજરી જેવા પાકોની આડશ કરી શકાય છે. શિયાળુ પાકોનો સંગ્રહ કરતા પહેલા તેના દાણાની સારી રીતે સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.