અમરીશ પુરી હીરો બનવા આવ્યા અને બની ગયા વિલન
મુંબઈ, કહેવાય છે કે કિસ્મતમાં હોય તે તમારી પાસેથી કોઇ ઝૂંટવી નથી શકતું. આ કહેવતની જેમ જ આ પણ ફિલ્મોના કિરદારોને લઇને કહેવામાં આવે છે. કેટલીક વાર એવું બને છે કે કોઈ પાત્ર કોઈ બીજા માટે લખવામાં આવે છે, પરંતુ તેનાથી કોઇ અન્ય એક્ટરની જ કિસ્મત ચમકી ઉઠે છે.
ફિલ્મી દુનિયામાં હીરો બનીને આવેલા આ એક્ટર સાથે બિલકુલ આવું જ બન્યું છે. એક જ પાત્રથી તેને ઘરે-ઘરમાં મોટી ઓળખ મળી હતી. અમરીશ પુરી એક એવા એક્ટર છે જેણે વર્ષો સુધી ઇન્ડસ્ટ્રી પર રાજ કર્યું. એવા એક્ટર જેણે પોતાની ખલનાયકીથી માત્ર દર્શકોનું જ નહીં પણ મેકર્સનું પણ દિલ જીતી લીધું હતું.
ખલનાયક બનીને તેણે જે નામ કમાવ્યું છે તે તેના સમય દરમિયાન અને આજ સુધી ભાગ્યે જ કોઈને મળ્યું હશે. બહુ ઓછા લોકો જાણતા હશે કે તે ઇન્ડસ્ટ્રીમાં હીરો બનવા આવ્યાં હતાં.
પરંતુ તે ખૂંખાર વિલન બની ગયાં. ૨૨ વર્ષની ઉંમરે અમરીશ પુરીએ હીરો બનવા માટે ઓડિશન આપ્યું હતું. તેથી ૧૯૫૪ માં, એક પ્રોડ્યૂસરે તેને એમ કહીને રિજેક્ટ કરી નાંખ્યા હતાં કે તે હીરો બનવા માટે લાયક નથી. જો કે, જ્યારે નસીબ તેમની સાથે ન હતું ત્યારે તેણે હાર ન માની અને ફિલ્મોમાં વિલન તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તેમણે વિલનની ભૂમિકા ભજવીને પોતાનું ટેલેન્ટ બતાવ્યું. એક્ટિંગની દુનિયામાં કરિયર બનાવવા માટે અમરીશ પુરીએ સરકારી નોકરી પણ છોડી દીધી હતી.
એક્ટિંગની દુનિયામાં આવતાં પહેલા, તેઓ રાજ્ય વીમા નિગમમાં કર્મચારી તરીકે કામ કરતા હતા અને થિયેટરમાં પણ ખૂબ એક્ટિવ હતા. તેમણે લેજેન્ડરી થિયેટર આર્ટિસ્ટ સત્યદેવ દુબેના સહાયક તરીકે નાટકોમાં પણ કામ કર્યું અને પછીથી અમરીશ પુરી દુબેને તેમના ગુરુ માનવા લાગ્યા. વર્ષ ૧૯૭૧માં ફિલ્મ ‘રેશ્મા ઔર શેરા’માં અમરીશ પુરીએ સાબિત કરી દીધું હતું કે તેમનાથી સારો એક્ટર કોઈ ન હોઈ શકે.
અહીંથી જ તેમને ઓળખ મળી. જોકે અમરીશ પુરીએ પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ વર્ષ ૧૯૮૭માં તેણે એક ભૂમિકા ભજવી હતી જે પહેલા અનુપમ ખેર ભજવવાના હતા. પરંતુ નસીબમાં કંઈક બીજું જ હતું અને તે ભૂમિકા અમરીશ પુરીને મળી. તે ફિલ્મ અનિલ કપૂર અને શ્રીદેવી સ્ટારર ‘મિસ્ટર ઈન્ડિયા’ હતી.
આ ફિલ્મમાં અમરીશ પુરી ખૂંખાર વિલન મોગેમ્બોના રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મથી તેમને તે સ્ટારડમ મળ્યું જે ઇન્ડસ્ટ્રીમાં બહુ ઓછા કલાકારોને મળે છે. આમ તો અમરીશ પુરીએ પોતાના કરિયરમાં ‘દામિની’, ‘ગર્દીશ’, ‘ગદર’, ‘ઘાતક’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘ઘાયલ’, ‘હીરો’, ‘કરણ અર્જુન’, ‘કોયલા’ ,’મેરી જંગ’ અને ‘મિ. ઇન્ડિયા’ જેવી ઘણી એવી ફિલ્મોમાં શાનદાર પાત્રો ભજવ્યા છે.
પોતાના કરિયરમાં તેણે લગભગ ૪૦૦ ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ મોગેમ્બોનું પાત્ર ભજવીને તેને જે પોપ્યુલારિટી મળી તે અન્ય કોઈ ફિલ્મમાં મળી નથી. આ ફિલ્મ તે વર્ષની મોટી હિટ સાબિત થઈ હતી. રિયલ લાઇફમાં પણ લોકો અમરીશ પુરીથી ડરવા લાગ્યા હતા.SS1MS