AMTSના પેસેન્જરોને પૈસા ઉપાડવા બસ ટર્મિનસ પર જ ATMની સુવિધા મળશે
AMTSના આશરે ત્રણ લાખ પેસેન્જર્સને છ ટર્મિનસ પર એટીએમની સુવિધા મળશે
લાલ દરવાજા, સારંગપુર, વાડજ, વાસણા, અખબારનગર અને જમાલપુર ખાતે ATM ચાલુ કરવાનાં ચક્રો ગતિમાન: જૂન સુધીમાં સુવિધા મળતી થાય તેવી શક્યતા
અમદાવાદ, એક સમયે દેશભરમાં વખણાતી અમદાવાદની લાલ બસની પ્રતિષ્ઠાને પાછી મેળવવી એટલે કે લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે. હાલની સ્થિતિએ તો સમગ્ર એએમટીએસ ખાનગી ઓપરેટરોને હવાલે થઇ છે એટલે સ્વાભાવિકપણે પેસેન્જર્સ માટે બસોના ધાંધિયા કાયમી બન્યા છે.
બીજી તરફ સત્તાવાળાઓ પેસેન્જર્સને નવી નવી સુવિધાઓ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં બસ ટિકિટ માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ દાખલ કરાઇ છે. ઉપરાંત ૬૫ વર્ષની વધુ વય ધરાવતા નાગરિકોને મફત મુસાફરીનો લહાવો અપાઇ રહ્યો છે. આની સાથે રોજના ત્રણ લાખ પેસેન્જર્સ માટે છમહત્વના ટર્મિનસ ખાતે એમટીએસની સુવિધા પુરી પાડવાની દિશામાં તંત્રે હિલચાલ આરંભી છે.
શહેરીજનો માટે શાળા, કોલેજ કે નોકરી-ધંધાના સ્થળે જવા-આવવા માટે આજે પણ એએમટીએસ (લાલ બસ) સસ્તું સાધન છે. જાેકે એએમટીએસ ક્યારે આવશે તે નિશ્ચિત હોતું નથી. પોણો કલાક-કલાક સુધી એક પણ બસ ડોકાશે નહીં અને પછી દસ-પંદર મિનિટમાં ત્રણથી ચાર સળંગ બસ આવી જશે. બસનું ઓપરેશન ખાનગી ઓપરેટરો હસ્તક હોઇ સર્વિસ ખોડંગાતી ચાલી રહી છે તેવું તો સત્તાધીશો ખાનગીમાં કબૂલે છે.
જાેકે ગત માર્ચ મહિનામાં રોજના સરેરાશ ૨,૯૩,૩૨૫ પેસેન્જર્સ તંત્રના ચોપડે નોંધાયા હતા. તંત્ર દ્વારા રોજની સરેરાશ ૫૮૧ બસ રોડ પર મુકાઇને સરેરાશ રૂ.૧૬૭૦૨૭૦ની આવક મેળવાઇ હતી.
દરરોજના આશરે ત્રણેક લાખ પેસેન્જર્સને નાણાકીય વ્યવહાર માટે સત્તાવાળાઓ નિકટના ભવિષ્યમાં એટીએમની સુવિધા પૂરી પાડવા જઇ રહ્યા છે. આ માટેના ટેન્ડર બહાર પડાયા હોઇ હાલના તબક્કે છે મહત્વના ટર્મિનસને એટીએમ માટે પસંદ કરાયા છે.
લાલ દરવાજા, સારંગપુર, વાડજ, અખબારનગર, વાસણા અને જમાલપુર ટર્મિનસ ખાતે એટીએમ ઊભા કરાશે. જે માટે આ ટર્મિનસ ખાતે દસ બાય છ ફૂટની જગ્યા સરકારી બેન્ક કે ખાનગી બેન્કને પૂરી પડાશે. એએમટીએસના સત્તાવાળાઓએ એટીએમ ઊભાં કરવા ટેન્ડર પ્રસિદ્ધ કર્યાં હોઇ બેન્કિંગ ક્ષેત્રના પ્રતિસાદના આધારે આ પ્રક્રિયા આગળ ધપશે.
૮ માર્ચે વિક્રમી રૂ.૨૦.૪૪ લાખની આવક ઃ એએમટીએસને માર્ચ મહિનામાં થયેલી આવકની વિગતો તપાસતાં ગત તા.૮ માર્ચે સૌથી વધુ ૨૦,૩૩,૬૩૦ની આવક થઇ હતી, જ્યારે માર્ચમાં કુલ આવક રૂ.૫.૧૮ કરોડની થઇ હતી.