AMTSમાં કંડકટર રૂપિયા લઈ ટિકિટ નહીં આપવાનું કૌભાંડ
- ડ્રાયવર- કંડકટરની મીલીભગતઃ કાલુપુરથી ખાત્રજ જતી એએમટીએસ બસને સાયન્સ સીટી રોડ પર અટકાવી તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી
- તમામ પ્રવાસીઓ સામે દંડનીય કાર્યવાહી : ડ્રાયવર- કંડકટર સામે કડક કાર્યવાહી કરાશે
(પ્રતિનિધિ) અમદાવાદ : દેશભરમાં પબ્લીક ટ્રાન્સપોર્ટમાં મુંબઈની બેસ્ટ અને અમદાવાદની લાલ બસ ખૂબ જ જાણીતી છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી અ.મુ.કોર્પો. સંચાલિત એએમટીએસ બસ સેવા વિવાદોમાં સપડાયેલી છે. એએમટીએસ સતત ખોટ કરી રહી હોવાથી તેને વધુ અસરકારક બનાવી નફો કરતી કરવા માટે એએમટીએસના અગ્રણીઓ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવતા હોય છે.
આ દરમિયાનમાં આજે સવારે એક ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં કેટલાક કંડકટર દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાની માહિતી મળતાં જ એએમટીએસના અધિકારીઓએ કાલુપુરથી ખાત્રજ જતી બસને સાયન્સ સીટી રોડ પર ઉભી રાખી પ્રવાસીઓની ટિકિટની ચકાસણી કરતા પ્રવાસીઓ પાસેથી રૂપિયા લઈ લીધા બાદ ટિકિટો નહી આપી રૂપિયા ચાઉં કરવામાં આવતા હતા. અધિકારીઓએ તમામ પ્રવાસીઓ પાસેથી દંડનીય કાર્યવાહી કરી ડ્રાયવર- કંડકટર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરતા જ સનસનાટી મચી ગઈ છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ મ્યુનિ. કોર્પો. સંચાલિત એએમટીએસ બસ સેવાનો સતત વ્યાપ વધારવામાં આવી રહયો છે અને સામાન્ય નાગરિકોને કોઈપણ વિસ્તારમાં જવા માટે બસનો લાભ મળે તેવા પ્રયાસો શરૂ કરાયા છે. ગરીબ અને મધ્યમવર્ગના તથા નોકરિયાત અને વિદ્યાર્થીઓ માટે એએમટીએસ બસ સેવા આવશ્યક બની ગઈ છે.
તેમાંય ખાસ કરીને લાંબા રૂટની બસ સેવાઓમાં પ્રવાસીઓનો ભારે ધસારો જાવા મળતો હોય છે.
પરંતુ છેલ્લા કેટલાક સમયથી એએમટીએસની કેટલીક બસોમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાનું જાણવા મળ્યુ હતું જેના આધારે એએમટીએસના અધિકારીઓ સતત વોચ રાખતા હતાં. ખાસ કરીને કાલુપુરથી ખાત્રજ જતી તથા અન્ય રૂટોની બસો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને આ બસમાં કંડકટર દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હતી જેના પગલે એએમટીએસના અધિકારીઓ સતર્ક બન્યા હતાં.
આજે સવારે નિત્યક્રમ મુજબ એએમટીએસની બસ કાલુપુરથી ખાત્રજ જવા માટે નીકળી હતી બસમાં નિયમિત રીતે જતા પ્રવાસીઓ બેઠા હતાં. આ બસ સાયન્સ સીટી રોડ પર પહોંચી ત્યારે અગાઉથી જ વોચમાં ઉભેલા એએમટીએસના અધિકારીઓએ બસને ઉભી રખાવી તેમાં બેઠેલા પ્રવાસીઓ પાસેથી ટિકિટોનું ચેકિંગ શરૂ કર્યું હતું. જેના પગલે પ્રવાસીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.
પ્રવાસીઓએ જણાવ્યું હતું કે અમે રૂપિયા આપેલા છે પરંતુ કંડકટરે ટિકિટ આપેલ નથી. જાકે જાણવા મળ્યા મુજબ નિયતદર કરતા થોડા ઓછા રૂપિયા કંડકટર લેતો હતો અને તેના બદલામાં ટિકિટ આપતો ન હતો. પ્રવાસીઓ પાસેથી રૂપિયા લઈને ટિકિટ નહી આપવાના કૌભાંડનો પર્દાફાશ થતાં જ એએમટીએસના અધિકારીઓ ચોંકી ઉઠયા હતા અને સૌ પ્રથમ બસમાં ટિકિટ વગર પ્રવાસ કરતા તમામ પ્રવાસીઓ પાસેથી દંડનીય રકમની વસુલાત શરૂ કરવામાં આવી હતી જેના પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતાં. બીજીબાજુ આ કૌભાંડનો પર્દાફાશ થતાં ચેકિંગ સ્ટાફે એએમટીએસના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ સમગ્ર કૌભાંડમાં કંડકટરની સાથે ડ્રાયવરની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતાં એએમટીએસના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતાં અને છેલ્લા ઘણા સમયથી ચાલતા આ કૌભાંડનો પર્દાફાશ થતાં જ બસને અન્ય ડ્રાયવરને બોલાવી સારંગપુર ડેપો ખાતે લઈ જવામાં આવી છે.
બીજીબાજુ આ મુદ્દે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. અન્ય રૂટ ઉપર પણ આવુ કૌભાંડ ચાલતુ હોવાની આશંકાથી અન્ય રૂટો ઉપર પણ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.