AMTS દ્વારા ૨૦ હજારથી વધુ નાગરીકોને કોરોના વેક્સીન આપવામાં આવી

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. દ્વારા ૨૦ સપ્ટેમ્બરથી નો વેક્સીનનો એન્ટ્રીનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમનો ચુસ્તપણે અમલ થાય તે માટે મ્યુનિ.ક્ચેરીઓ કાંકરીયા ફ્રન્ટ એએમટીએસ અને જનમાર્ગના બસ સ્ટોપ પર વેક્સીનેશનની સુવિધા ઉપલબ્ધ આવી છે.
જે અંતર્ગત એએમટીએસના ૨૦ ટર્મીનસ પર ૭ દિવસમાં ૨૦ હજાર કરતાં વધુ લોકોને વેક્સીન આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી અમદાવાદ શહેરમાં વેક્સીન મહાઅભિયાન શરૂ કરવામાં આવી છે.
તેમના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરે ૧.૫૬ ડોઝ લગાવવામાં આવ્યા હતા જ્યારે છેલ્લાં ત્રણ દિવસથી રોજ ૧ લાખ કરતાં વધુ વેક્સીન ડોઝ આપવામાં આવી રહ્યાં છે. જેમાં જાહેર પરિવહન સર્વિસનો પણ મહત્તમ ફાળો રહ્યો છે. શહેરની આગવી ઓળખ સમાન એએમટીએસ દ્વારા પણ છેલ્લાં એક સપ્તાહથી વેક્સીનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
એએમટીએસના વિવિધ બસ સ્ટોપ પર નાગરીકોને રસી આપવામાં આવે છે. શરૂઆતમાં ૧૨ જેટલા બસ સ્ટોપ પર વેક્સીનેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જે વધીને ૨૪ સપ્ટેમ્બરે ૨૦ થઈ છે.
મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસના સૂત્રોએ જણાવ્યા મુજબ, પાલડી, વાસણા, અખબારનગર, વાડજ, હાટકેશ્વર, મણિનગર, ચાંદખેડા, ઘુમા, ઈસનપુર, ઈસ્કોન, બાપુનગર સહિત ૨૦ સ્થળોએ વેક્સીન આપવામાં આવી રહી છે. મ્યુનિ.કમિશ્નર દ્વારા નો વેક્સીન નો એન્ટ્રીની જાહેરાત કર્યા બાદ તમામ મુસાફરોનાં ચેકીંગ કરવામાં આવે છે. તેમજ જે મુસાફરોએ વેક્સીન લીધી ન હોય તેમને સ્પોટ પર જ વેક્સીન આપવામાં આવી રહી છે. તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.