AMTSનો ધાર્મિક પ્રવાસ કે કમાણીનો નવો કીમિયો?
પૂરા રૂપિયા ભર્યા બાદ પણ ઉભા ઉભા પ્રવાસ કરવો પડશે
(દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ, AMTS દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 40 વ્યક્તિ માટે રુ.3000 ભરવાના રહેશે. પરંતુ અહીં ચોંકાવનારી બાબત એ છે કે 40 વ્યક્તિ માટે 28 કે 30 સીટ ની જ બસ મોકલવામાં આવશે. તેમજ ટેક્ષ બિલ ભરપાઈ કરવામાં આવ્યું હોય તેની પહોંચ પણ બતાવવી પડશે. આ બાબત વિવાદ પકડી રહી છે.
મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ ના ટ્રાન્સપોર્ટ મેનેજરના વિચાર મુજબ ટેક્ષ ભરવો તે નાગરિકો ની.ફરજ છે અને ટેક્ષ ભરે તો જ તેમને યોજનાઓનો લાભ આપવો જોઇએ.જેના કારણે ધાર્મિક પ્રવાસ યોજનામાં ટેક્ષ બિલ ભરપાઈ કર્યાની પહોંચ ની માંગણી કરી છે. પરંતુ તેની સામે આ ધાર્મિક પ્રવાસમાં 12 પેસેન્જરો એ ઉભા ઉભા જાત્રા કરવી પડશે. ટ્રાન્સપોર્ટ મેનેજરના આ નિર્ણય નો વિરોધ થઈ રહયો છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ ટેક્ષ ભરવો એ ફરજ છે તો નાગરિકોનો પણ હક્ક છે કે પૂરું ભાડું ચુકવ્યા બાદ તેમને પણ બસમાં બેસવા માટે સીટ મળે.28 સીટ સામે 40 પેસેન્જર ના નાણાં કેવી રીતે લઈ શકાય?
થોડા સમય પહેલા વૃદ્ધો અને દિવ્યાંગો ને આપવામાં આવતા કન્સેશન પાસ માટે પણ ટેક્ષ ભરેલો હોવો ફરજીયાત હોવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટ મેનેજરે વૃદ્ધો અને દિવ્યાંગો માટે પણ દયા ના રાખી. તો અહીં પ્રશ્નો એ થાય છે કે શુ ટેક્ષ નું ભરપાઈ થયેલ બિલ – પહોંચ દર્શાવી પાસ મેળવનાર વૃદ્ધ કે દિવ્યાંગ ને બસમાં બેઠક માટે ની ગેરંટી ટ્રાન્સપોર્ટ મેનેજર આપે છે. આ લોકો માટે બસ નિયત સ્થળે ઉભી રહેશે તેની ખાત્રી ટ્રા. મેનેજર આપે છે? વૃદ્ધ અને દિવ્યાંગ ને બસમાં ચડતી વખતે મુશ્કેલીઓ થાય છે તેનો કોઈ ઉપાય ટ્રા. મેનેજર આપશે?
એક અંદાજ મુજબ એ.એમ.ટી.એસ.ની એક બસનો વકરો શીફ્ટ દીઠ રૂ.2000 થી 2500 થાય છે. ધાર્મિક પ્રવાસમાં જતી બસ દોઢ શીફ્ટ કામ કરે છે અને રૂ.3000 લેવામાં આવે છે. મતલબ કે શહેરના કરદાતાઓ પર ટ્રા. મેનેજર કોઈ જ ઉપકાર કરી રહયા નથી તેવી ચર્ચા પણ ચાલી રહી છે.