હવે મહેમદાવાદના સિદ્ધિવિનાયક મંદિર જવા માટે મણીનગરથી AMTS બસ મળશે
(એજન્સી)અમદાવાદ, એએમટીએસના સત્તાવાળાઓ જાહેર પરિવહન સેવા ક્ષેત્રમાં સૌથી વધુ મહત્વપૂર્ણ એવી આ સર્વિસને વધુ ને વધુ પેસેન્જર્સલક્ષી બનાવવા માટે સતત જહેમતઉઠાવી રહ્યાં છે. એએમટીએસની સુવિધામાં વ દારો થાય તે માટે એક પછી એક ઉપાય કરવામાં આવી રહ્યા છે.
શહેરમાં અંગત વાહનોનો વપરાશ વધ્યો હોવા છતાં તેમજ બીઆરટીએસ અને મેટ્રો રેલવેનો વિકલ્પ ઉપલબ્ધ હોવા છતાં આજે પણ આ બસ સર્વિસ દૈનિક ૪.૨૩ લાખતી વધુ પેસેન્જર્સની લાઈફ લાઈન છે.શાસકોએ એએમટીએસનો વ્યાપ વધુ વ્યાપક બનાવવા માટેના આયોજનના ભાગરૂપે મણિનગર ટર્મિનસથી મહેમદાવાદના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક (ગણેશ) મંદિર સુધી એએમટીએસ દોડાવાવનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
આ અંગે વધુ માહિતી આપતાં એએમટીએસના ચેરમેન ધરમશી દેસાઈ કહે છે કે મહેમદાવાદનું સિદ્ધિવિનાયક મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું સ્થાન બન્યું છે. આ સિદ્ધિવિનાયક મંદિર સુધી એએમટીએસ પહોચતી કરવા માટે કવાયક આરંભાઈ છે અને મણિનગર ટર્મિનસથી એએમટીએસમાં બેસીને પેસેન્જર્સ છેક મહેમદાવાદના આ પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિર સુધી જઈ શકશે. તાજેતરમાં એએેમટીએસની સગવડમાં વૃદ્ધિ કરવા સત્તાવાળાઓએ ૧૦૦ જેટલાં ટર્મિનસ-સ્ટેશન પર પબ્લિક ઈન્ફર્મેશન સિસ્ટમ ધરાવતાં એલઈડી બોર્ડ મૂકવાની દિશામાં આગેકૂચ આરંભી છે.
આ માટે પ્રસિદ્ધ કરાયેલા રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ હેઠળ એલઈડી બોર્ડ મુકાનાર હોઈ તેનાથી પેસેન્જર્સને બસના આગમન અંગેની ચોક્કસ માહિતી મળશે. આ એલઈડી બોર્ડ બસના આગમનનો સમય દર્શાવીને પેસેન્જર્સને પોતાના નોકરી-ધંધાના સ્થળે કે વિદ્યાર્થીઓને શાળા કોલેજ જવા માટે ભારે રાહતરૂપ
બનશે.
આ ઉપરાંત એએમટીએસ બસના પેસેન્જર્સ માટે મોબાઈલ એપ પણ શરૂ કરવામાં આવશે. બસમાં લગાવવામાં આવેલી જીપીએસના ડેટાનો ઉપયોગ કરી શહેરના દરેક રૂટ, બસસ્ટોપ લિસ્ટ તથા મેપ સાથે દર્શાવતી આ મોબાઈલ એપ તૈયાર કરવા માટે શાસકોએ તંત્રની દરખાસ્તને મંજૂરી પણ આપી દીધી છે, જે ખરેખર એએમટીએસના લાખો પેસેન્જર્સને આગામી દિવસોમાં પોતાના મોબાઈલ પર જ બસને લગતી પૂરેપૂરી માહિતી
આપનારી બાબત બની રહેવાની હોઈ એએમટીએસની શાખમાં વધારો કરાવશે. એએમટીએસના ચેરમેન ધરમશી દેસાઈએ આગામી નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં એએમટીએસ ૨૦ કિ.મી. દૂરના ગામડાઓ સુધી પણ દોડશે તેવી અગત્યની જાહેરાત કરીને શહેર આસપાસના ગામડાએના લોકોને ભારે ખુશખુશાલ કરી દીધા છે.