Western Times News

Gujarati News

સીજી રોડ પરનાં બસ સ્ટેન્ડ પર કોઈ માહિતી જ નથી

પ્રતિકાત્મક

અમદાવાદ,  એએમટીએસ બસ હાલમાં પેસેન્જર્સ માટેના જાહેર પરિવહન સેવાનું મહત્ત્વનું સાધન છે. દરરોજ ઓફિસ, દુકાન જવા માટે હજારો લોકો એએમટીએસનો ઉપયોગ કરે છે, પરંતુ આ બસ સર્વિસના એક અથવા બીજા પ્રકારનાં ધાંધિયાંથી પેસેન્જર્સમાં બહુ સારો અભિપ્રાય જાેવા મળતો નથી.

પેસેન્જર્સને સારી સુવિધા પૂરી પાડવાના મામલે એએમટીએસના સત્તાવાળાઓ મહદઅંશે બેદરકાર પુરવાર થતા રહ્યા છે. તંત્રની બેદરકારીનાં ઉદાહરણ વારંવાર પ્રકાશમાં આવે છે. હવે વધુ એક ઉદાહરણ જાણવા મળ્યું છે કે જેમાં સત્તાધીશોએ શહેરના રાજમાર્ગ ગણાતા સીજી રોડ પર જે તે બસ સ્ટેન્ડનું નામ કે બસ રૂટની માહિતી દર્શાવતાં બોર્ડ જ નથી.

પરિણામે અજાણ્યા પેસેન્જરો તો હંમેશા અટવાઈ જાય છે. માહિતીના અભાવે સીજી રોડ પર કામ ધંધા માટે આવેલા લોકોને ના છૂટકે રિક્ષા કરવી પડે છે.

એએમટીએસ દ્વારા દરરોજ આશરે ૬૦૦ બસ રોડ પર મુકાય છે અને દરરોજના આશરે ૩.૭૫ લાખ પેસેન્જર્સ આ બસ સર્વિસનો ઉપયોગ કરે છે, જેનાથી તંત્રને આશરે રૂ.૨૨.૦૧ લાખની આવક થાય છે.

કોરોનાએ વિદાય લીધી હોઈ એએમટીએસમાં પેસેન્જર્સ વધ્યા છે તેમજ આવકમાં પણ ઉલ્લેખનીય વધારો થયો છે.
આ પ્રકારની સમસ્યાથી ઝૂઝતા પેસેન્જર્સને તંત્ર તરફથી હેરાન કરવામાં આવતા હોવાનું ઉત્તમ ઉદાહરણ સીજી રોડ પરના બસ સ્ટેન્ડે પૂરું પાડ્યું છે.

શહેરમાં અતિ વ્યસ્ત સીજી રોડ પર તંત્ર દ્વારા આશરે સાત-આઠ મહિના પહેલાં આધુનિક ઢબનાં બસ સ્ટેન્ડ ઊભાં કરાયાં છે.
સીજી રોડના કુલ ૧૩ બસ સ્ટેન્ડ પર જે તે બસ સ્ટેન્ડનું નામ તેમજ બસ રૂટ દર્શાવતાં બોર્ડ જ મુકાયાં નથી. રડ્યા-ખડ્યા પંચવટી જેવાં બસ સ્ટેન્ડ પર નામ લખાયું છે, તો આ બસ સ્ટેન્ડ પરના રૂટથી પેસેન્જર્સ અંધારામાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.