Western Times News

Gujarati News

AMTS એસ.જી.હાઇવે, ઇસનપુર અને વસ્ત્રાલ સુધી ડબલ ડેકર બસ દોડાવશે

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) અમદાવાદ, એએમટીએસ દ્વારા લગભગ ચાર દાયકા બાદ ડબલ ડેકર બસ દોડાવવામાં આવી રહી છે. વાસણાથી ચાંદખેડા, લાલ દરવાજાથી શીલજ, નરોડાથી લાંભા અને સારંગપુરથી સિંગરવા ગામ સુધી એમ ચાર રૂટ ઉપર ડબલ ડેકર એસી બસ દોડી રહી છે. હવે, એસજી હાઇવે સુધી પણ ડબલ ડેકર એસી બસ દોડાવવામાં આવશે.

AMTS દ્વારા ત્રણ નવા રૂટ ઉપર સોમવારથી ડબલ ડેકર બસ દોડશે. ત્રણ મહિના પહેલા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શહેરમાં ૭ ડબલ ડેકર બસ દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જે તમામ સાત રૂટ ઉપર હવે બસો દોડશે.

એએમટીએસ કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે, શહેરમાં સાત રૂટ પર ડબલ ડેકર એ.સી. બસો ચલાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જે અંતર્ગત હાલ ચાર રૂટ ઉપર ડબલ ડેકર એસી બસ દોડી રહી છે. હવે વધુ ત્રણ નવા રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં લાલ દરવાજાથી બોપલ વકીલ સાહેબ બ્રિજ, ઇસનપુરથી રાણીપ અને લાલ દરવાજાથી વસ્ત્રાલ રૂટ ઉપર બસો જશે.

ત્રણ નવા રૂટનો સમાવેશ કરવામાં આવતા હવે શહેરીજનોને એએમટીએસ એસી બસનો વધુ લાભ મળશે. ત્રણ નવા રૂટમાં લાલ દરવાજાથી બોપલ વકીલ સાહેબ બ્રિજ સુધી બસ દોડશે. જેનાથી એસજી હાઇવે ઉપર જનારા લોકોને ફાયદો થશે. જ્યારે પૂર્વ વિસ્તારમાં જવા માટે ઇસનપુર અને વસ્ત્રાલના રૂટની શરૂઆત કરવામાં આવી છે.

આ અગાઉ આશ્રમ રોડ પરના વાસણાથી ચાંદખેડા રૂટની ડબલ ડેકર એસી બસની શરૂઆત કરવામાં આવી છે. બાદમાં લાલ દરવાજાથી શીલજ, નરોડાથી લાંભા અને સારંગપુરથી સિંગરવા ગામ સુધીની ડબલ ડેકર એસી બસો શરૂ કરાઇ છે.

નવી ડબલ ડેકર બસમાં નીચે ૨૯ અને ઉપર ૩૬ એમ કુલ ૬૦થી વધુ પેસેન્જર બેસવાની ક્ષમતા ધરાવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં ૭ જેટલી બસો ખરીદી દોડાવવામાં આવનાર છે. ડબલ ડેકર એસી બસનું ભાડું હાલમાં જે પ્રવર્તમાન દર છે તે મુજબનું જ રહેશે. ડબલ ડેકર ઈલેક્ટ્રીક એસી બસમાં નીચેના ભાગે બે અને ઉપરના ભાગે બે એમ કુલ ચાર જેટલા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

કોઈપણ ઈમરજન્સી અથવા તો એનાઉન્સમેન્ટ માટે ડ્રાઇવર પાસે વોકીટોકી સેટ રાખવામાં આવ્યો છે. જે મારફતે ડ્રાઇવર બસમાં એનાઉન્સમેન્ટ કરી શકશે. ડ્રાઇવરના સામેના ભાગમાં સીસીટીવી કેમેરાનું ડેશબોર્ડ લગાવવામાં આવેલું છે. જેમાં સીસીટીવી લાઈવ જોઈ શકાય છે. ફુલ્લી એર કન્ડિશનર બસ છે. દરેક સીટ વચ્ચે યુએસબી લગાવવામાં આવ્યા છે.

જેમાં મોબાઈલ ચાર્જ સુવિધા પણ છે. બસના આગળ પાછળ અને સાઈડના તરફ રૂટની માહિતી દર્શાવતા ડિજિટલ રુટ બોર્ડ પણ લગાવવામાં આવેલા છે. તેમજ મુસાફર સલામતી માટેના ઇમરજન્સી એક્ઝિટના કાંચ બ્રોકર પણ રાખવામાં આવ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.