AMTS દ્વારા નવરાત્રિમાં ધાર્મિક પ્રવાસ યોજના શરૂ કરાશે
આ યોજનામાં અમદાવાદના કુલ અલગ અલગ ૧૪ જેટલા મંદિરોમાં શ્રદ્ધાળુઓને દર્શન કરાવવામાં આવશે.
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ દ્વારા શ્રાવણ, અધિક શ્રાવણ અને પ્રયુર્ષણના તહેવાર દરમિયાન નાગરિકો માટે ધાર્મિક બસ પ્રવાસ આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં સારો પ્રતિસાદ મળ્યા બાદ નવરાત્રિના તહેવારો દરમિયાન પણ ધાર્મિક બસ પ્રવાસ યોજના શરૂ કરવામાં આવશે. આ યોજનામાં શહેરના કુલ અલગ અલગ ૧૪ જેટલા મંદિરોમાં શ્રદ્ધાળુઓને દર્શન કરાવવામાં આવશે.
મ્યુનિ. ટ્રાન્સપોર્ટ કમિટિ ચેરમેન વલ્લભભાઈ પટેલના જણાવ્યા મુજબ શ્રાવણ મહિનાથી શ્રદ્ધાળુઓ માટે ધાર્મિક બસ પ્રવાસ યોજના ચલાવવામાં આવે છે જેનો નાગરિકોએ ઉમળકાભેર લાભ લીધો હતો.
શ્રાવણ અને અધિક શ્રાવણ માસમાં કુલ ૧૯૧૬૦૦ શ્રદ્ધાળુઓએ વિવિધ દેવ મંદિરોમાં દર્શન કર્યા હતાં. મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા કુલ ૪૭૯૦ બસો દોડાવવામાં આવી હતી જેના કારણે સંસ્થાને ૧૧૪૯૬૦૦૦ રૂપિયાની આવક થઈ હતી.
હવે તંત્ર દ્વારા નવરાત્રિના તહેવાર દરમિયાન પણ ધાર્મિક બસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક બસના રૂા.ર૪૦૦ લેવામાં આવશે શહેરના લાલ દરવાજા, વાડજ, સારંગપુર અને મણિનગર ખાતેથી બસનું બુકિંગ થઈ શકશે.
સદર પ્રવાસ યોજના દરમિયાન ભદ્રકાળી મંદિર, મહાકાળી મંદિર, મા ભવાની વાવ, ચામુંડા મંદિર, પદમાવતી મંદિર, હરસિધ્ધ માતા મંદીર, હિંગળાજ માતા મંદિર, બહુચરાજી મંદિર, વૈષ્ણોદેવી મંદિર સહિત ૧૪ મંદિરોએ દર્શન કરાવવામાં આવશે. આ બસનો સમય સવારે ૮.૧પથી સાંજે ૪.૪પ સુધી રહેશે.
જાે પ્રવાસીઓની ઈચ્છા હશે અને પુરતો સમય હશે તો તેમને અન્ય મંદિરોમાં પણ લઈ જવામાં આવશે. એક બસમાં વધુમાં વધુ ૩૦ સીટીગ અને ૧૦ સ્ટેન્ડીગ અથવા ર૮ સીટીંગ અને ૧ર સ્ટેન્ડીગ એમ કુલ ૪૦ પેસેન્જર જઈ શકશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.