80 વર્ષનાં વૃદ્ધાને સ્વાઈન ફલૂ થતાં સુરતનું આરોગ્ય તંત્રમાં દોડતું થયું
ચેપને ફેલાતો અટકાવવા આરોગ્ય વિભાગે આસપાસના ર૦૦ ઘરોમાં તપાસ કરી
સુરત, લાંબા સમય પછી સુરતમાં સ્વાઈન ફલૂનો પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ડિંડોલી વિસ્તારમાં રહેતા ૮૦ વર્ષના વૃધ્ધાને સ્વાઈન ફલૂ થતાં આરોગ્ય વિભાગની ટીમ આસપાસના ર૦૦ જેટલા ઘરોમાં તપાસ કરી હતી. ચાલુ વર્ષમાં સ્વાઈન ફલૂનો છઠ્ઠો કેસ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.
સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા ૮૦ વર્ષીય એક વૃદ્ધાનો સ્વાઈન ફલૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અંગે જાણ થતા જ આરોગ્ય વિભાગની ટીમ ત્યાં દોડી ગઈ હતી અને વૃદ્ધાની મુલાકાત લઈ તેમને જરૂરી તકેદારી રાખવા માટેની તાકીદ કરી હતી. આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર આગામી તા.૯મી તારીખે તેમનો સ્વાઈન ફલૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે હાલમાં તેમની તબિયત સારી છે.
સાવચેતીના ભાગરૂપે તેમની આસપાસના વિસ્તારમાં ર૦૦ જેટલા ઘરોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી તેમજ સ્થાનિક લોકોને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. લોકોને એવી અપીલ પણ કરવામાં આવી છે કે શરદી-ખાંસી જેવા લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર નજીકમાં પાલિકાના હેલ્થ સેન્ટરનો સંપર્ક કરવામાં આવે.
આરોગ્ય અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, સ્વાઈન ફલૂના લક્ષણોમાં ગળામાં દુઃખાવો થવાની સાથે શરદી-ખાંસી જેવી તકલીફો થાય છે. જોકે સ્વાઈન ફલૂની દવા ટેમી ફલૂ ઉપલબ્ધ છે.
સ્વાઈન ફલૂની સારવાર પણ યોગ્ય રીતે થઈ શકે તેવી સંપૂર્ણ વ્યવસ્થા હોવાથી લોકોએ ડરવાની જરૂર નથી પરંતુ લક્ષણો દેખાય તો તેને નહીં ગણકારવાની ભૂલ નહીં કરવી, સ્વાઈન ફલૂની સિવિલ હોસ્પિટલમાં તપાસ પણ થાય છે. હાલ આરોગ્ય વિભાગની ટીમ શંકાસ્પદ વિસ્તારમાં સર્વે કરી રહી છે જેથી સ્વાઈન ફલૂનો ફેલાવો ન થાય તેવા પૂર્ણ પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં ચાલુ વર્ષ દરમિયાન સ્વાઈન ફલૂના પોઝિટિવના છ કેસ નોંધાયા છે. જેમાં વર્ષ ર૦ર૪ના જાન્યુઆરીમાં એક, ફેબ્રુઆરી અને માર્ચમાં સ્વાઈન ફલૂ પોઝિટિવના બંને કેસ નોંધાયા હતા આ ઉપરાંત ચાલુ એપ્રિલ માસમાં ડિંડોલી વિસ્તારમાં રહેતા ૮૦ વર્ષના વૃધ્ધાને સ્વાઈન ફલૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે.