ટ્રક પાછળ એસિડિક કેમિકલ ભરેલી ટેન્કર ટકરાતા અકસ્માત
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર વહેલી સવારે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ઉભેલી ટ્રક પાછળ એસિટીક કેમિકલ ભરેલ ટેન્કર ભટકાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.અકસ્માતની જાણ થતાં જ ફાયર વિભાગે પહોંચી પાણીનો મારો ચલાવી એસિડિક કેમિકલને નાશ કરવાની કવાયત કરી હતી.
અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે. ત્યારે પુનઃ એકવાર ગુરુવારના રોજ વહેલી પરોઢે અકસ્માતનો બનાવ સામે આવ્યો હતા.જેમાં અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર અકસ્માત સર્જાયો હતો.જેમાં પાનોલી બ્રિજ પર ઉભેલી ટ્રક પાછળ એસિટીક કેમિકલ ભરેલ ટેન્કર ધડાકાભેર ભટકાયું હતું.જેના પગલે દોડધામ મચી જવા પામી હતી.
ટેન્કર માંથી કેમિકલ લીક થતા માર્ગ પર ઢોળાયું હતું.બનાવની જાણ થતાની સાથે જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને માર્ગ પર ઢોળાયેલા કેમિકલના કારણે અહીંથી પસાર થતાં વાહન ચાલકોને આંખમાં બળતરા તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદો ઉઠી હતી.અકસ્માતની જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક દોડી જઈ એકથી બે કલાકની ભારે જહેમત બાદ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.જોકે સદ્દનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાવા પામી હતી.પરંતુ વાહન અને કેમિકલને નુકશાન થવા પામ્યું હતું.