અમદાવાદમાં પ્રસુતા- બાળ મરણમાં ચિંતાજનક હદે વધારો
દર હજારે ર૬ બાળ મરણ: ૬ વર્ષમાં ૧પ હજાર કરતા વધુ બાળ મરણ, ૪૦૭ ગર્ભ મરણ નોંધાયા
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, રાજય સરકાર દ્વારા કુપોષણ દુર કરવા અને સગર્ભા સ્ત્રીઓના આરોગ્યની સુખાકારી માટે અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી છે. પરંતુ તેનો યોગ્ય અમલ ન થવાના કારણે શીશુ મરણ, પ્રસુતા મરણ અને ગર્ભ મરણની સંખ્યા સતત વધી રહી છે.
છેલ્લા છ વર્ષ દરમિયાન અમદાવાદ શહેરમાં ૧પ હજાર કરતા વધુ શીશુ મરણ થયા છે આ આંકડા ચોંકાવનારા અને શરમજનક માનવામાં આવે છે.
અમદાવાદ શહેરમાં ર૦૧૭-૧૮ થી ર૦રર-ર૩ ના સમયગાળા દરમિયાન ૧પપ૦ર શીશુ મરણ અને ૪૦૭ ગર્ભ મરણ થયા છે. ર૦૧૭-૧૮માં આ મરણ દર ૩૧.૦૯ ટકા હતો જે ર૦ર૧-રરમાં ઘટીને માત્ર ૧ર ટકા થયો હતો ત્યારબાદ ર૦રર-ર૩માં આ મરણ દર રર ટકા કરતા વધી ગયો છે. શીશુ મરણ માટે કુપોષણને મુખ્ય કારણ માનવામાં આવી રહયું છે. સરકાર દ્વારા કુપોષણ દુર કરવા માટે અનેક યોજનાઓનો અમલ કરવામાં આવી રહયો છે
પરંતુ તેના માટે બાળક દીઠ દૈનિક રૂ.પ.૧૦ ખર્ચ કરવામાં આવે છે તે અત્યંત શરમજનક કહી શકાય તેમ છે. શહેરમાં કુલ ૧૪ હજાર કરતા વધુ બાળકો કુપોષિત છે. જયારે જે શીશુ મરણ થયા છે તે બાળકો મોટેભાગે ઓછા વજન, જન્મ સાથે જ કોઈ ખામી હોવી,
તેમજ કોઈ વારસાઈ ખામીના કારણે મરણ થયા હોવાનું માનવામાં આવે છે પરંતુ સૌથી મહત્વનું કારણ કુપોષણને માનવામાં આવે છે પ્રસુતા માતાને યોગ્ય પોષણ ન મળવાના કારણે બાળક પણ કુપોષિત રહે છે જેના કારણે તેના મૃત્યુ થાય છે. આવા બાળકોનું વજન એકથી દોઢ કિલો જેટલુ જ હોય છે.
અમદાવાદ શહેરમાં શીશુ મરણ અને ગર્ભ મરણની સાથે સાથે પ્રસુતા માતાના મરણની સંખ્યા પણ વધી રહી છે. દર વર્ષે સરેરાશ પ૦ જેટલી પ્રસુતા માતાના મરણ થાય છે. વધુ ભુતકાળમાં જોઈએ તો ર૦૧૩ અને ર૦૧૪માં ૧૦૧, ૧૦૧, ર૦૧૬માં ૭પ, ર૦૧૭માં ૭પ, ર૦૧૮માં પ૪ અને ર૦૧૯માં ૯૧ પ્રસુતા માતાના મરણ થયા હતાં.
સરકાર દ્વારા જનની સુરક્ષા કાર્યક્રમ ઘણા વર્ષોથી ચલાવવામાં આવી રહયો છે પરંતુ તેનો લાભ ગરીબ પ્રસુતા માતાઓ સુધી પહોંચતો નથી જેના પરિણામે પ્રસુતા માતાના મરણ થાય છે તેમજ શીશુ મરણની સંખ્યામાં પણ ચિંતાજનક હદે વધારો થઈ રહયો છે.