વાસણાની જી.બી.શાહ કોલેજ પાસે AMCનું સ્વીપર મશીન દંપત્તિ પર ફરી વળ્યું

પ્રતિકાત્મક
રોડ પર સૂઈ રહેલાં દંપતી પર એએમસીનું સ્વીપર મશીન ફરી વળ્યુંઃ મહિલાનું મોત: સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો
(એજન્સી) અમદાવાદ, શહેરમાં દર એકાદ-બે દિવસે અકસ્માતની ઘટના સામે આવી રહી છે, જેમાં નિર્દોષ રાહદારીઓ તેમજ વાહનચાલકોના મોત થયા છે. પુરઝડપે આવતા વાહનચાલકો જયારે જયારે અકસ્માત સર્જે છે ત્યારે અમદાવાદના રસ્તાઓ લોહીથી ખરડાય છે આજે વહેલી સવારે વાસણાના રસ્તા રકતરંજિત થયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સ્વીપર મશીન માતેલા સાંઢની જેમ આવ્યું હતું અને ફૂટપાથ પર સુઈ રહેલા દંપતી પર ફરી વળ્યું હતું. અકસ્માતની આ કરુણ ઘટનામાં મહિલાનું મોત થયું છે, જયારે મહિલાનો પતિ ઈજાગ્રસ્ત થયો છે.
રસ્તા પર સૂઈ જવું એ આજે જોખમ સાબિત થઈ રહ્યું છે, કારણ કે ગમે ત્યારે પુરઝડપે વાહન આવીને અડફેટમાં લઈ લે છે. આજે સવારે શહેરના વાસણા વિસ્તારમાં અકસ્માતની એક ઘટના બની છે. જે જોતં અભિનેતા સલમાન ખાને સર્જેલા હિટ એન્ડ રનની યાદ તાજી થઈ ગઈ હતી. વાસણાની જી.બી. શાહ કોલેજ પાસે વહેલી સવારે એએમસીનું સ્વીપર મશીન રોડ પર સુઈ રહેલા દંપતી પર ફરી વળ્યું હતું. અકસ્માતની આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
જી.બી. શાહ કોલેજ પાસે વહેલી સવારે એએમસીનું સ્વીપર મશીન કાબુ ગુમાવીને ફૂટપાથ પર ચઢી ગયું હતું. સ્વીપર મશીનનાં તોતીંગ વ્હીલે ફુટપાથ પર સૂઈ રહેલા દંપતીને કચડી નાખ્યું હતું. જેમાં એક મહિલાનું મોત થયું હતું. જયારે મહિલાના પતિને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સ્વીપર મશીન હેઠળ કચડાયેલા દંપતીની ચીસોથી વિસ્તાર ગુંજી ઉઠયો હતો.
પોલીસે સ્વીપર મશીનના ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દંપતી વહેલી પરોઢે ગાઢ નિદ્રામાં હતાં ત્યારે તેમને સપનામાં પણ ખ્યાલ હતો નહીં કે તેમની સાથે એક એવી ઘટના બનવા જઈ રહી છે જેમાં તેમના પરિવારનો માળો વેરવિખેર થઈ જશે. સ્વીપર મશીન પુરઝડપે આવી રહ્યું હતું ત્યારે ડ્રાઈવરે Âસ્ટયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ફૂટપાથ પર સૂઈ રહેલા દંપતી પર ફેરવી દીધું હતું.
અકસ્માતની આ ઘટના બનતાંની સાથે જ સ્થાનિક ધારાસભ્ય અમિત શાહ સહિતના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જયારે પોલીસ તેમજ ટ્રાફિક પોલીસની ટીમ પણ આવી પહોચી હતી. પોલીસે મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે, જયારે તેના પતિને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે, પોલીસે આ મામલે ડ્રાઈવર વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં અવારનવાર ડમ્પરચાલકોની ભૂલના કારણે પણ સંખ્યાબંધ અકસ્માત સર્જાયા છે. અકસ્માતના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એકશન મોડમાં આવી ગયું છે અને સ્વીપર મશીન ચલાવવાનો કોન્ટ્રાકટ ધરાવતી કંપનીને એક લાખ રૂપિયાની પેનલ્ટી ભરવાની તેમજ ડ્રાઈવરને નોકરીમાંથી કાઢી મુકવાના આદેશ આપી દીધા છે.