રોજનું એક એપલ – ડોકટરને રાખે દૂર… વાતમાં કેટલો દમ ??
આજકાલની મમ્મીઓ બાળકોને દેશી ફળ ખવડાવવાને બદલે એપલ આપવું પસંદ કરે છે, પણ મમ્મીઓએ એ જાણી લેવું જરૂરી છે કે ૬ મહિનાથી લઈને ભાખોડિયા ભરતાં બાળકોને કેલ્શિયમની ખાસ જરૂર હોય છે, જાણીને નવાઈ લાગશે કે એપલ કરતાં વધુ કેલ્શિયમ તો દ્રાક્ષમાંથી મળે છે !
એપલની સીઝન પૂરબહાર ચાલુ છે. વર્ષના બાકીના દિવસોમાં દોઢસો રૂપિેયે કિલોથી શરૂ થતાં એપલ અત્યારે માર્કેટમાં અડધો-અડધ ભાવે વેચાય છે. સારી કવોલિટીના મોટા એપલ અત્યારે ૭૦-૮૦ રૂપિયે કિલો મળી રહ્યા છે. આપણે લોકોને બીજું અંગ્રેજી આવડે કે ના આવડે પણ પેલી અંગ્રેજી કહેવત એન એપ અ ડે – કિપ્સ અ ડોકટર અવે રોજનું એક એપલ- ડોકટરને રાખે દૂર જરૂર આવડે છે.
વર્ષોથી આ વાત સાંભળી સાંભળીને આપણા મગજમાં એક વાત ઠસી ગઈ છે કે એપલ એ સૌથી હેલ્ધી ફૂટ છે અને રોજ એપલ ખાવાથી ડોકટરને ત્યાં કદી જવું ના પડે. હિમોગ્લોબીન ઓછું થાય ત્યારે પણ એપલ ખાવાની સલાહ મળે ! ડોકટર પણ ઘણીવાર દર્દીને ફ્રૂટ ખાવાની સલાહ આપે ત્યારે પહેલુ નામ એપલનું લે. આમ તો એપલ એ આપણું ગુજરાતનું ફ્રૂટ નથી પણ જયાં પણ ફ્રૂટનો ફોટો હોય ત્યાં એપલનો ફોટો જરૂર જાેવા મળે.
બાલમંદિરથી બાળકોને એ ફોર એપલ ભણાવાય છે પણ એ ફોર આમળાં કેમ નથી ભણાવાતું આ રહસ્ય હજુ અકબંધ છે ! મૂળ આપણાં દેશી ફળો બોર, કેરી, પપૈયાં, ચીકુ, જામફળ, શેરડી, આમળાં વગેરે ખૂબ પૌષ્ટીક હોવા છતાં હેલ્ધી ફ્રૂટ એટલે સહુ પહેલા એપલ જ એવું આપણા મનમાં દ્રઢ પણે ઠસી ગયું છે. એટલે આ તો સિઝનમાં સોનું સસ્તું થયા જેવો ઘાટ થયો ! તો ચાલો, આજે આપણે એપલ વિશે એ ટુ ઝેડ બધું જાણીએ. સૌથી પહેલાં તો જાેઈએ એપલનું પોષણમૂલ્ય જાે તમે ઈન્ટરનેટ પર સર્ચ કરશો તો એપલ અનેક પોષકતત્વોથી ભરપુર છે અને તેમાં વિટામીન, આયર્નથી લઈને પ્રોટીન સુધી બધું ભરપુર છે એવા અનેક દાવાઓ જાેવા મળશે પરંતુ આ દાવાઓ કેટલા સાચા છે તે એપલનું સાચું પોષણમૂલ્ય જાણ્યા બાદ તમે જાતે જ નકકી કરજાે. એપલ મોઈશ્વરથી ભરપુર હોય છે.
દર ૧૦૦ ગ્રામ દીઠ એપલમાં લગભગ ૮૪-૮પ ટકા તો પાણી જ હોય છે. એપલમાં પ્રોટીન અને ચરબી લગભગ નથી હોતા. ૦.ર ગ્રામ પ્રોટીન અને ૦.પ ગ્રામ ચરબી હોય છે. સાથે ૧૩-૧૪ ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને ૬૦ કિલોકેલરી જેટલી શક્તિ હોય છે. આમ એપલને લો-કેલોરી ફળ ગણી શકાય. એટલે વજન ઘટાડવા ઈચ્છતા લોકો અને ડાયાબિટીસમાં કયુ ફળ સલામત ગણાય એવી મુંઝવણ અનુભવતા લોકો માટે એપલ એ એક સારો ઓપ્શન છે, પણ શાળાએ જતાં બાળકો કે જેમને ભરપુર એનર્જીની જરૂર હોય એને એપલ ખવડાવવાથી એનર્જી, પ્રોટીન કે કેલ્શિયમ મળશે એ વાત યોગ્ય્ નથી. એમના માટે કેળાં, ચીકુ, પપૈયાં એપલ કરતા વધુ સારા ફ્રૂટસ ગણાય.
હવે વાત કરીએ કે એક બહુ જ અગત્યના ઘટકની અને તે છે આયર્ન. ઘણાં કરીને લોકો આયર્ન સુધારવા માટે એપલ ખાવું જાેઈએ એવું માને છે. જે લોકોને હિમોગ્લોબીન ઓછું થઈ ગયું હોય કે ઓપરેશન કે ડિલિવરી પછી લોહતત્વ સુધારવાની જરૂર હોય તેમને પણ પરિવારજનો ખાસ કરીને એપલ ખવડાવે છે. એ આશાએ કે એપલ આટલા મોંઘા છે અને એનાથી હિમોગ્લોબીન સુધરશે.
જાે તમે પણ આવું માનતા હો તો આજથી જ આ વાત ભૂલી જજાે. એપલ ન તો લોહતત્વનો સારો સ્ત્રોત છે કે ન તો હિમોગ્લોબીન કે લોહીવર્ધક છે. તમને જાણીને નવાઈ લાગશે કે એપલમાં ફકત ૦.૬ મીલીગ્રામ જેટલું જ લોહતત્વ છે ! એપલ કરતાં ખૂબ જ સસ્તાં આમળામાં એપલ કરતાં ત્રણ ગણું વધુ લોહતત્વ હોય છે ! અને બિલકુલ મફતમાં મળતા બીલાં અથવા બિલ્વફળમાં પણ એપલ જેટલું જ લોહતત્વ હોય છે.
આજકાલની મમ્મીઓ બાળકોને દેશી ફળ ખવડાવવાની બદલે એપલ આપવું પસંદ કરે છે, પણ મમ્મીઓ એ એ જાણી લેવું જરૂરી છે કે ૬ મહિનાથી લઈને ભાખોડિયા ભરતા બાળકોને કેલ્શિયમની ખાસ જરૂર હોય છે, કેમ કે તેમના કુણાં હાડકાં મજબુત બનીને નકકર બનવાની શરૂઆત થાય છે ઉપરાંત શાળાએ જતાં બાળકોના અસ્થીતંત્રનો પણ ઝડપી વિકાસ થતો હોય છે.
જાે બાળક કિશોરાવસ્થામાં પહોંચ્યુ હોય તો તો તેમણે હાઈટ વધારવા કેલ્શિયમ અને મેન્સ્યુઅલ બ્લીડિંગને પહોંચી વળવા લોહતત્વની અત્યાધિક જરૂર હોય છે. આવે વખતે એપલ કેલ્શિયમનો અત્યંત નિમ્ન સ્ત્રોત સાબિત થાય છે. એક પખ્ત વયની વ્યક્તિને સરેરાશ રોજિંદા ૧૦૦૦ મીગ્રા કેલ્શિયમ જાેઈએ જયારે એપલ ફકત ૧૦ મીગ્રા કેલ્શિયમ આપે છે અને લોહતત્વ પણ પણ લગભગ નહીવત્ છે.
તમને જાણીને નવાઈ લાગશે કે એપલ કરતાં વધુ કેલ્શિયમ તો દ્રાક્ષમાંથી મળે છે ! એપલ ખાવાના ફાયદા જાેઈએ તો એ લો કેલોરી ફ્રૂટ છે, વજન વધારતું નથી. હાઈ બ્લડપ્રેશર અને ડાયાબીટીસના દર્દીઓ માટે સારું છે. એપલમાં ખાસ કરીને પોલીફિનોલ નામના એન્ટીઓક્સિડન્ટસ હોય છે જે અનેક પ્રકારના સ્વાસ્થ લાભ આપે છે.