સાઠંબા ખાતે કરુણા અભિયાન અંતર્ગત જાગૃતિ રેલી યોજાઇ
(પ્રતિનિધિ)બાયડ, અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ખાતે જીવદયા અને પર્યાવરણ માટે કાર્યરત સંસ્થા વગડો ચેરીટેબલ ટ્રસ્ટ અને વનવિભાગ દ્વારા કરુણા અભિયાન – ૨૦૨૩ અંતર્ગત પક્ષીઓ તેમજ પર્યાવરણના રક્ષણ માટે લોકોમાં જાગૃતિ ફેલાય તે હેતુથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જી.વી.કે.એસ. વિદ્યાલય (સાઠંબા) ના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો જાેડાયા હતા અને રેલીમાં વિદ્યાર્થીઓએ બેનરો સાથે પતંગ કાપો, પાંખ નહી , ચાઇનીઝ દોરી બંધ કરો તેમજ પક્ષી બચાવો, પર્યાવરણનું જતન કરો જેવા સૂત્રોચ્ચાર કરી લોકોને પક્ષી બચાવવા તેમજ પર્યાવરણનું જતન કરવા અપીલ કરી હતી.
શાળા સંકુલમાં વનવિભાગના કર્મચારીઓ તેમજ વગડો ચેરીટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓને સવારે અને સાંજે પક્ષીઓના વિહરવાના સમયે પતંગ ન ચગાવવા, ચાઇનીઝ દોરી ન વાપરવા તેમજ ઉત્તરાયણ પર્વ પછી આમતેમ પડી રહેલી દોરીઓ એકઠી કરી તેનો યોગ્ય નિકાલ કરવા અને કોઈ જગ્યાએ ઘાયલ પક્ષી દેખાય તો પોતે સારવાર ન કરી તુરંત એનિમલ હેલ્પ લાઇન નંબર કે જીવદયા માટે કાર્યરત સંસ્થાનો સંપર્ક કરી ઘાયલ પક્ષીનો જીવ બચાવવા તેમજ પક્ષીઓના રક્ષણ અને પર્યાવરણનું જતન કરવા સંકલ્પ લેવડાવ્યો હતો. હાઇસ્કૂલના આચાર્ય પી.જે.પટેલ તથા પ્રાથમિક વિભાગના આચાર્ય વિપુલભાઇ પટેલે સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.