ચીનના પ્રાંત શિજિયાંગમાં ભૂકંપના આંચકા અનુભવાયા
બેઈજિંગ, તુર્કી અને સીરિયામાં ભૂકંપે તબાહી મચાવી છે ત્યારે હવે ચીનના ઉત્તર પશ્ચિમ પ્રાંત શિજિયાંગમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ચાઈના અર્થક્વેક નેટવર્ક સેન્ટરના જણાવ્યા પ્રમાણે અક્સુ પ્રદેશના વેનસુ કાઉન્ટીમાં સવારે ૭ઃ૫૮ વાગ્યે રિક્ટર સ્કેલ પર ૫.૧ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો. સીઈએનસીએ જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૧૦ કિલોમીટરની ઊંડાઈએ ૪૧.૮૭ ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને ૭૯.૮૫ ડિગ્રી પૂર્વ રેખાંશ પર જાેવા મળ્યું હતું.
ભૂકંપનું કેન્દ્ર અક્સુ શહેરથી ૮૪ કિમી અને પ્રાદેશિક રાજધાની ઉરુમકીથી ૬૭૦ કિમી દૂર હતું. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હજુ સુધી કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન નથી થયું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્થાનિક પાવર ગ્રીડ કામગીરી, તેલ અને ગેસ ઉત્પાદન એકમો અને મોટા પેટ્રોકેમિકલ સાહસોને ભૂકંપથી કોઈ અસર નથી થઈ. તેમનું ઉત્પાદન અને કામગીરી સામાન્ય રીતે ચાલુ છે. આ અગાઉ ૨૩ ફેબ્રુઆરીએ ચીનના તાજિકિસ્તાનની સરહદ નજીક ૭.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શિજિયાંગ ક્ષેત્ર અને તાજિકિસ્તાનની સરહદ નજીક સવારે ૮ઃ૩૭ વાગ્યે આશરે ૭.૩ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ભૂકંપનું કેન્દ્ર ચીન સાથેની તાજિકિસ્તાનની નજીકની સરહદથી લગભગ ૮૨ કિમી દૂર હતું. ભૂકંપનો આંચકો એટલો જાેરદાર હતો કે તે શિજિયાંગ ક્ષેત્રના પશ્ચિમ ભાગમાં આવેલા કાશગર અને આર્ટાક્સમાં પણ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી ૫ કિમી ઊંડુ હતું. જાે કે તેના કારણે કોઈ જાનહાની નહોતી થઈ.
૬ ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં આવેલા ૭.૮ની તીવ્રતાના ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે. બંને દેશોમાં અત્યાર સુધીમાં ૫૦,૦૦૦ થી વધુ લોકોના મોત થયા છે અને ઘાયલોની સંખ્યા લાખોમાં છે. મોટી સંખ્યામાં ઈમારતો ધરાશાયી થઈ છે, રસ્તાઓ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે. SS2.PG