૨૦૨૨માં અમેરિકામાં અંદાજીત 49 હજાર લોકોએ આપઘાત કર્યોઃ કારણ જાણો
વોશિંગ્ટન, ગત વર્ષે એટલે કે ૨૦૨૨માં અમેરિકામાં લગભગ ૪૯,૫૦૦ લોકોએ આપઘાત કરી લીધા હતા. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ માહિતી ખુદ અમેરિકી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આંકડાઓમાં જાણવા મળી હતી. રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર દ્વારા હજુ સુધી માત્ર આંકડા જાહેર કરાયા છે.
જાેકે અત્યાર સુધી તેની ગણતરી બાકી જ છે. પરંતુ તાજેતરના આંકડાથી એ માહિતી મળી છે કે બીજા વિશ્વ યુદ્ધની શરૂઆત બાદથી અત્યાર સુધીનો આ આપઘાતનો દર સૌથી વધુ છે. નિષ્ણાતોનું આ મામલે કહેવું છે કે આપઘાત જટિલ હોય છે અને તાજેતરમાં આવી ઘટનાઓમાં વધારાના અનેક કારણ હોઈ શકે છે
જેમાં લોકોમાં વધતું જતું ડિપ્રેશન અને માનસિક સ્વાસ્થ્ય સેવાઓની મર્યાદિત ઉપલબ્ધતા પણ સામેલ છે. પરંતુ અમેરિકન ફાઉન્ડેશન ફોર સ્યુસાઈડ પ્રિવેન્શનમાં રિસર્ચના વરિષ્ઠ ઉપાધ્યક્ષ ઝિલ હરકવી- ફ્રાઈડમેને કહ્યું કે ગનકલ્ચરની આ આપઘાતની ઘટનાઓ વધવામાં મોટી ભૂમિકા રહી છે.
ગન વડે કરાયેલા આપઘાતના પ્રયાસ અન્ય રીતે કરાયેલા પ્રયાસોની તુલનાએ મૃત્યુનું વધુ કારણ બન્યા છે. બંદૂકોના વેચાણમાં પણ તેજી નોંધાઈ છે. તાજેતરમાં જાેન્સ હોપકિન્સ યુનિવર્સિટીના વિશ્લેષણમાં શરૂઆતના ૨૦૨૨ના ડેટાનો ઉપયોગ કરી ગણતરી કરાઈ કે દેશમાં ગન વળે કરાયેલા આપઘાતનો દર ગત વર્ષે અત્યાર સુધીના ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગયો છે.
રિસર્ચરોએ નોંધ લીધી કે પહેલીવાર અશ્વેત કિશોરોમાં ગન વડે આપઘાત કરવાનો દર શ્વેત કિશોરોની તુલનાએ વધુ રહ્યો. સૌથી વધુ આપઘાતનો દર વૃદ્ધ-વયસ્કોમાં જાેવા મળ્યો હતો. ૪૫થી ૬૪ વર્ષની વયના લોકોમાં મૃત્યુદર લગભગ ૭% વધ્યો છે અને ૬૫થી વધુ વયના લોકોમાં મૃત્યુદર ૮%થી વધુ વધ્યો છે.
સીડીસીએ કહ્યું કે વિશેષ રીતે શ્વેત પુરુષોનો દર વધારે છે. ૨૫થી ૪૪ વર્ષના વયસ્કોમાં આપઘાતનો દર ૧% વધ્યો હતો.