ઓઢવ GIDCમાં ગટર લાઈનનાં ગેરકાયદે જાેડાણ કરનારા સામે FIR થશે
જાે કોઈ એકમ કેમિકલયુક્ત પાણી છોડતાં હોય તો GPCBને જાણ કરી તાળાં મરાશે
અમદાવાદ, શહેરમાં ગટર અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનમાં ગેરકાયદે કનેક્શનની સમસ્યા દિન-પ્રતિદિન વકરતી જાય છે. આના કારણે ગટર બેક મારવી કે પછી નજીવા વરસાદમાં વરસાદી પાણી જમા થઇ જવાની સમસ્યા સર્જાતી જાેવા મળે છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ગટર બેક મારવાનો પ્રશ્ન જટિલ બનતો જાય છે.
તેમાં પણ કેમિકલયુક્ત પાણી અનેકવાર રોડ પર ફરી વળતાં હોવાથી વિદ્યાર્થીઓને આવાં પાણીમાંથી પસાર થઇને શાળાએ જવાની ફરજ પડે છે. આવાં કેમિકલયુક્ત પાણીથી ચામડીને લગતા વિભિન્ન રોગો પણ થાય છે. મ્યુનિસિપલ કમિશન એમ.થેન્નારસને નાગરિકોનાં સ્વાસ્થ્ય ગુનાઇત ચેડાં કરનારાં આવાં તત્ત્વો સામે લાલ આંખ કરી છે.
ઓઢવ જીઆઈડીસીમાં કેટલાક એકમો ડ્રેનેજ લાઈનમાં ગેરકાયદે કનેક્શન જાેડી દેતા હોવાનું જાણવા મળતાં કમિશનરે આવા એકમો સામે પોલીસમાં ફરિયાદ કરવાની સંબંધિત ઇજનેર વિભાગને તાકીદ કરી છે.
પૂર્વ અમદાવાદમાં ગટરો બેક મારવાની સમસ્યાની સાથે સાથે વરસાદી પાણી જમા થઇ જવાનો પ્રશ્ન પણ લોકોને હાડમારીમાં મૂકી રહ્યો છે. આ બંને બાબતો માટે ડ્રેનેજ લાઈન અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનમાં જાેડાતા ગેરકાયદે કનેક્શન મુખ્યત્વે જવાબદાર છે.
આ બાબતન ગંભીરતા સમજીને મ્યુનિસિપલ કમિશનરે સંબંધિત ઇજનેર વિભાગને આવાં ગેરકાયદે કનેક્શનોને શોધવાની ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની તાકીદ પણ કરી છે. જે તે ઝોનના ઈજનેર વિભાગને આવાં ગેરકાયદે કનેક્શન મળવા પર તે બાબતે કસૂરવાર ધંધાર્થીઓ સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરવાની કડક સૂચના પણ મ્યુનિ.કમિશનરે આપી છે.
ખાસ કરીને ઓઢવ જીઆઈડીસી વિસ્તારમાં અમુક ધંધાર્થી ખુલ્લેઆમ ડ્રેનેજ લાઈનમાં ગેરકાયદે કનેક્શન જાેડીને પોતાના એકમોનો ગંદા પાણી સહિતનો ક્ચરો ઠાલવતા હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી છે, જે અંગે મ્યુનિસિપલ કમિશનર થેન્નારસને પણ જાણ થતાં તેમણે પૂર્વ ઝોનના ઇજનેર વિભાગને આવા ધંધાર્થીઓ સામે તાકીદે પોલીસ ફરિયાદ કરીને તેમની સામે કડક પગલાં ભરવાનો આદેશ આપ્યો છે.
આ અંગે પૂર્વ ઝોનના એડિશનલ સિટી ઈજનેર રતનજી કરેણને પૂછતાં તેઓ જણાવે છે કે, ગુરુવારે ઓઢવ જીઆઈડીસી નજીકના અંબિકાનગર ખાતે આ પ્રકારનું ગેરકાયદે કનેક્શન મળી આવ્યું હતું. આ કનેક્શનને કાપ્યા બાદ તે અંગે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે સ્ટાફને રવાના કર્યાે હતો.
ઓઢવ જીઆઈડીસીના મામલે પૂછતાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે ઓઢવ જીઆઈડીસીના પાંચ ગેરકાયદે કનેક્શનને કાપવામાં આવ્યાં હતાં. આ તમામ પ્રકારના કિસ્સામાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી)ના ચેરમેન આર.બી.બારડને પણ વિશ્વાસમાં લેવાયા છે. જીપીસીબી સમક્ષ ડોક્યુમેન્ટ અને સેમ્પલ રજૂ કરાશે. તેના આધારે જે તે કસૂરવાર એકમનો ધંધાર્થીઓને ટોરન્ટનું ક્લોઝર પણ મોકલવામાં આવશે. તેમજ સીલ સુદ્ધાં મરાશે.