પરીક્ષાના કલાક પહેલા જ NCC પરીક્ષાનું પેપર ફુટતા પરીક્ષા કરાઈ રદ
(એજન્સી) ભાવનગર, ભાવનગરમાં ફરી એકવાર પેપર લીકની ઘટના સામે આવી છે. NCC સર્ટિફિકેટની પરીક્ષાના કલાક પહેલા જ પેપર ફુટ્યુ હોવાનુ સામે આવતા પરીક્ષા રદ કરાઈ હતી. જેના કારણે અનેક ઉમેદવારોનું સપનું રોળાયુ છે.
ભાવનગરમાં ફરી એકવાર પેપર ફુટવાની ઘટના સામે આવી છે. NCC સર્ટિફિકેટની પરીક્ષાનુ પેપર ફુટ્યુ હોવાનુ સામે આવતા પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. ભાવનગર અને અમરેલી જિલ્લાના ૪૪૮ જેટલા કેટેડ પરીક્ષા આપવાના હતા. પરંતુ પરીક્ષાના એક કલાક અગાઉ જ પેપર ફુટી જતા પરીક્ષા રદ કરાઈ છે. ત્યારે પરીક્ષા આપવા આવેલા કેડેટનો ગુસ્સો ભભુકી ઉઠ્યો હતો.
ભાવનગર શહેર અને જિલ્લામાં તોડકાંડ, ડમીકાંડ, જીએસટી કાંડ, પેપરકાંડની ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે. હાલ પેપર ફુટવા અંગે એનસીસી તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. NCC વિભાગના ઉચ્ચ અધિકારીઓનો સતત સંપર્ક કરવાના પ્રયાસ છતા તેઓ મીડિયા સમક્ષ આવ્યા ન હતા અને કોઈ પ્રતિક્રિયા પણ આપી નથી.
આ પેપર ફુટવાની ઘટના અંગે આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર પ્રતિક્રિયા આપી સરકાર પર પ્રહાર કર્યા. પ્રવિણ રામે જણાવ્યુ કે ભાજપ સરકારને પેપર લીકનું વ્યસન થઈ ગયુ છે. આ પેપરલીકની ઘટનાને પ્રવિણ રામે સરકાર માટે શરમજનક ગણાવી. તેમણે જણાવ્યુ કે જો પેપરલીકની ઘટનાઓ અટકાવી ન શકાય તો મોટા મોટા કાયદાઓ ઘડવાનો શો અર્થ? તેમણે સરકાર પર પ્રહાર કર્યો કે સરકાર પેપરલીકની ઘટનાઓ અટકાવી ન શક્તી હોય તો સ્વૈચ્છિક રાજીનામુ આપી દેવુ જોઈએ.
આપને જણાવી દઈએ કે ભાવનગર યુનિવર્સિટીમાં ગત એપ્રિલમાં પણ બીકોમમાં સેમેસ્ટર ૬નુ ફાયનાન્સ એકાઉન્ટનુ પેપરલીક થયુ હતુ. એ બાદ ભાવનગરમાં ચકચારી ડમી કાંડ પણ સામે આવ્યો હતો. જેમા અનેક મોટા નામો બહાર આવ્યા હતા.