ફ્લાય ઓવર પર ગાડી ઉભી રાખવાની ભૂલ ભારે પડીઃ 2 મોત
એસ.જી.હાઈવે પર બે ગાડી ધડાકાભેર અથડાઈ, બેનાં મોત
(એજન્સી)અમદાવાદ, શહેરના એસ.જી હાઈવે પર રફતારના કહેરએ બે લોકોના જીવ લીધા છે. હાઈવે પર સાઈડમાં પાર્ક કરેલી આઈ ૨૦ ગાડીને પાછળથી સ્પીડમાં આવતી બ્રેઝા કારે ટક્કર મારતા જ બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં આઈ ૨૦ કારમાં રહેલા બે મિત્રોના મોત નીપજ્યા. ત્યારે બ્રેઝા કારમાં સવાર ચાર લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડાયા છે. શહેરનો આ રોડ હવે રફતારના લીધે મોતનો હાઈવે બની ગયો છે.
એસ.જી.હાઈવેથી થલતેજ પેલેડિયમ મોલ પાસેના ઓવર બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે મિત્રોના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગત્ત મોડી રાત્રે આઈ ૨૦ કાર ચાલક થલતેજ ઓવર બ્રિજ પર ઉભા રહ્યા હતા. જે આઈ ૨૦ કારમાં અલ્પેશ ગાગડેકર, કમલ અડવાણી, સોનું ધૈયડા અને મયુર આહુજા સવાર હતા.
તે સમયે પાછળથી બ્રેઝા કાર ચાલક પ્રભુ દેવાસીએ રોડ સાઈડ ઉભી રહેલી આઈ ૨૦ કારને ટક્કર મારતાં ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. ત્યારે બે મિત્રો અલ્પેશ ગાગડેકર, કમલ અડવાણીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે મિત્રોને સારવાર અર્થે ખસેડ્યા હતા. જોકે બ્રેઝા કારમાં સવાર ચારેય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી તેમને પણ સારવાર અર્થે ખસેડાયા હતા
અને આ મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એસ.જી હાઈવે પર રોડ સાઈડમાં કોઈ કારણ વગર ગાડી ઉભી રાખવાથી આ અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બે લોકો મોતને ભેટ્યા છે. ત્યારે આઈ ૨૦ ગાડીમાં રહેલા ચારેય મિત્રો સરદાર નગરના રહેવાસી છે અને ત્રાગડ અને સિંધુભવન રોડ પર નાસ્તો કરવા નીકળ્યા હતા અને એક મિત્રને બાથરૂમ લાગતા બ્રિજ પર ગાડી ઉભી રાખી હોવાનું નિવેદન આપી રહ્યા છે.
ત્યારે બ્રેઝા કારમાં રહેલા કાર ચાલક પ્રભુ દેવાસી તેમની પત્ની રેખા બેન દેવાસી અને અર્જુન દેવાંશી, લાડુ બેન દેવાસી એક જ પરિવારના સભ્યો રાજસ્થાન પાલી ખાતે પ્રભુ ભાઈના માતા પિતાની ખબર અંતર કાઢીને પરત આવી રહ્યા હતા અને તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. હાલ ટ્રાફિક પોલીસ એફ.એસ.એલની મદદથી કેટલી સ્પીડમાં ગાડી હતી, તેને લઈ તપાસ કરી રહી છે. નોંધનીય છે કે રોડ પર ગાડી ઉભી રાખનાર સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરી શકે છે.