ગુજરાતમાં એક વર્ષમાં કરોડપતિઓની સંખ્યામાં ૪૫૦૦નો વધારો
અમદાવાદ, ગુજરાતમાં ઉદ્યોગ-ધંધાના વિકાસની સાથે સાથે કરોડપતિઓની સંખ્યા વધતી જાય છે. ઈન્કમ ટેક્સની ચુકવણીના આંકડા સાબિત કરે છે કે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં કરોડપતિ કરદાતાઓ વધ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એટલે કે CBDTના ડેટા મુજબ વર્ષ ૨૦૨૨-૨૩માં ગુજરાતમાં કરોડપતિ ટેક્સ પેયરની સંખ્યા ૪૯ ટકા વધી છે.
એક નાણાકીય વર્ષમાં જેમની કરપાત્ર આવક એક કરોડ કરતા વધુ હોય તેમને કરોડપતિ ટેક્સ પેયરની કેટેગરીમાં મુકવામાં આવે છે. અગાઉના વર્ષોની સાથે સરખામણી કરવામાં આવે તો છેલ્લા એક વર્ષમાં એક કરોડથી વધુ ટેક્સેબલ ઈન્કમ ધરાવતા લોકો વધ્યા છે. ૨૦૨૧માં રાજ્યમાં ૯૩૦૦ લોકો આ કેટેગરીમાં આવતા હતા જ્યારે ૨૦૨૨માં આ સંખ્યા વધીને લગભગ ૧૪,૦૦૦ સુધી પહોંચી ગઈ છે. એટલે કે એક વર્ષમાં કરોડોપતિઓની સંખ્યામાં ૪૫૦૦નો વધારો થયો છે.
છેલ્લા પાંચ વર્ષનો ડેટા જાેવામાં આવે તો ગુજરાતમાં અત્યારે સૌથી વધુ કરોડપતિ કરદાતા છે તેમ કહી શકાય. કારણ કે અગાઉના વર્ષોમાં આ સંખ્યા માત્ર ૭૦૦૦ હતી જે હવે ૧૪,૦૦૦ સુધી પહોંચી છે. છેલ્લા પાંચ વર્ષની એવરેજ જાેવામાં આવે તો સરેરાશ ૮૨૦૦ કરોડપતિ કરદાતા નોંધાયા છે. તેમાંથી કોર્પોરેટ કેટેગરીમાં પણ ૧૦૦૦નો વધારો થયો હતો.
કોર્પોરેટ કેટેગરીના કરોડપતિ કરદાતાની સંખ્યા ૩૭૦૦થી વધીને ૪૭૦૦ થઈ છે. એટલે કે આ કેટેગરીમાં કરોડપતિઓની સંખ્યા ૨૮ ટકા વધી છે. નોન-કોર્પોરેટ કેટેગરીમાં ગુજરાતમાં ઓવરઓલ ટેક્સ બેઝમાં ૪ ટકાનો વધારો થયો છે. ૨૦૨૧-૨૨માં રાજ્યમાં ૭૧.૨ લાખ ટેક્સપેયર હતા જેની સંખ્યા વધીને લેટેસ્ટ વર્ષમાં ૭૩.૮ લાખ થઈ છે.
પાંચ વર્ષ અગાઉના આંકડા પ્રમાણે ગુજરાતમાં ૬૨.૫ લાખ લોકોને ટેક્સ બેઝ હતો. ગુજરાતમાંથી જે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા તેના ડેટા મુજબ ૯૪ ટકા લોકોએ રૂ. ૧૦ લાખ સુધીની આવક દર્શાવી છે. આ કેટેગરીના કરદાતાઓની સંખ્યામાં બે ટકાનો વધારો થયો છે જ્યારે ૧૦ લાખથી વધારે આવક દેખાડનારા કરદાતાઓની સંખ્યા ૨૯ ટકા વધીને ૩.૩૫ લાખમાંથી ૪.૩૩ લાખ થઈ છે.
એક્સપર્ટનું કહેવું છે કે ઉચ્ચ કરપાત્ર આવક ધરાવતા લોકોની સંખ્યા વધવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ડાયરેક્ટ ટેક્સ કમિટીના ચેરમેન જૈનિક વકીલે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી કોર્પોરેટ ટેક્સ ઘટ્યો છે અને જીએસટીના કારણે પણ પરિવર્તન આવ્યું છે. તેથી વધુ ઉંચા કોર્પોરેટ રિટર્નનું આ એક કારણ છે. આ ઉપરાંત એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટને પણ હાયર ઈન્કમ બ્રેકેટમાં વધુ રિટર્ન ફાઈલ થવા માટેનું કારણ ગણી શકાય.
ઈન્ટરનેશનલ ટેક્સ એક્સપર્ટ મુકેશ પટેલે જણાવ્યું કે ઈન્કમટેક્સ પેમેન્ટમાં આઈટીનો ઉપયોગ અને ફેસલેસ એસેસમેન્ટ સ્કિમના કારણે પારદર્શિતા વધી છે અને ટેક્સના નિયમોનું વધારે કોમ્પ્લાયન્સ થાય છે. ગુજરાતમાં કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ, રોકાણકારો અને યુવાન પ્રોફેશનલોના કારણે કરદાતાઓની સંખ્યામાં વધારો થયો છે જેઓ પોતાની વધતી ઈન્કમને ડિકલેર કરી રહ્યા છે.SS1MS