એવું તે શું થયું કે, ટિફિન આપી ઘરે પરત ફરી રહેલા વૃદ્ધની છરીના ઘા ઝીંકીને હત્યા
હત્યા પાછળનું રહસ્ય અકબંધઃ પોલીસે ભેદ ઉકેલવા માટે ચક્રો ગતિમાન કર્યા
અમદાવાદ, શહેરના નિકોલ વિસ્તારમાં રવિવારે ટિફિન આપીને ઘરે પરત ફરી રહેલા વૃદ્ધની અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. વૃદ્ધ પર ચારથી વધુ છરીના ઘા ઝીંક્યા બાદ હત્યારા નાસી ગયા હતા
જ્યારે તે લોહીથી લથબથ હાલતમાં એક કલાક સુધી રોડ પર તરફડિયાં મારી રહ્યા હતા. નિકોલ નજીક આવેલા એસપી રિંગરોડ પર વૃદ્ધની ઘાતકી હતયા કરવામાં આવી છે જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હત્યારા સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે.
નિકોલ વિસ્તારમાં આવેલા પથિક રો હાઉસમાં રહેતા રાકેશ ચોરસિયાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. રાકેશ ચોરસિયા મૂળ ઉત્તર પ્રદેશના છે અને છેલ્લા ઘણા સમયથી નિકોલમાં આવેલા ખોડિયારનગરમાં પાનનો ગલ્લો ચલાવીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે.
રાકેશની પત્નીનું નામ જ્યોતિ છે અને તેની સાસરી નિકોલ વિસ્તારમાં આવેલા સ્વામી વિવેકાનંદનગરનાં ચાર માળિયામાં છે. રાકેશના સસરા શ્યામસુંદર અને સાસુ શારદાબેન ટિફિન બનાવાનું કામ કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. સાળો ડ્રાઈવરની નોકરી કરતો હોવાથી તે એક અઠવાડિયા પહેલાં વૈષ્ણોદેવી ખાતે પત્નીને લઇને રહેવા માટે જતો રહ્યો હતો.
રવિવારે ૬૫ વર્ષિય શ્યામસુંદર ગ્રાહકને ટિફિન આપવા માટે ગયા હતા જ્યાં અજાણ્યા શખ્સોએ તેમની હત્યા કરી નાંખી હતી. શ્યામસુંદરને વાહન ચલાવતાં આવડતું ન હોવાના કારણે તે ચાલતા ચાલતા ગ્રાહકોને ટિફિન આપવા માટે ગયા હતા ત્યારે તે ઘરે પરત આવ્યા નહીં જેથી તેમની પત્નીએ જમાઇ રાકેશને ફોન કર્યાે હતો.
કલાકો પછી પણ પરત ન આવતાં રાકેશ તેમજ તેમના પરિવારજનો શ્યામસુંદરને શોધવા માટે નીકળ્યા હતા ત્યારે રિંગરોડ પર પોલીસ તેમજ વાહનચાલકોની ભીડ નજરે પડી હતી. રાકેશે ત્યાં જઈને જાેયું તો રોડ લોહીથી ખરડાયેલો હતો. રાકેશ સસરા શ્યામસુંદરનો ફોટોગ્રાફ્સ બનાવ્યો તો પોલીસે કહ્યું કે તેમને હોસ્પિટલમાં લઇ ગયા છે.
અકસ્માતનું વિચારીને રાકેશ પરિવાર સાથે સિવિલ હોસ્પિટલમાં પહાંચી ગયો હતો. જ્યાં સસરાની લોહીથી લથબથ હાલતમાં લાશ હતી. સસરા શ્યામસુંદરનું અકસ્માતમાં મોત નહીં પરંતુ છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. શ્યામસુંદર પર ચારથી વધુ છરીના ઘા મારવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું હતું.
સમગ્ર ઘટનાની જાણ નિકોલ પોલીસને થતાં તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હત્યાનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યાે હતો. રાકેશના જણાવ્યા અનુસાર શ્યામસુંદર ટિફિન આપીને પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે રિક્ષાચાલકે તેમને ટક્કર મારી હતી.
શ્યામસુંદરને ટક્કર વાગતા રિક્ષાચાલક અને તેના સાગરીતો સાથે બોલાચાલી થઈ હતી. રિક્ષાચાલક અને તેના સાગરીતો આવેશમાં આવી ગયા અને શ્યામસુંદર પર છરી હુલાવીને નાસી ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.