ડિગ્રી વગર એલોપેથિક દવા રાખીને ક્લિનિક ચલાવતા કાકા-ભત્રીજો ઝડપાયા
અમદાવાદ, અમદાવાદ શહેરના મેમનગર વાળીનાથ ચોક પાસેના ગોપાલનગરમાં પોલીસે બાતમીના આધારે રેડ પાડી નકલી ડોક્ટર અને કમ્પાઉન્ડરને ઝડપી લીધા છે. આરોપી કાકા-ભત્રીજા દુકાન ભાડે રાખીને એલોપેથિક દવા રાખતા હતા.
કોઈપણ લાઇસન્સ અને ડિગ્રી વિના દવાખાનું ચલાવતા હતા. આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી બંને આરોપીની ધરપકડ કરી છે.ગુજરાત યુનિવર્સિટી પોલીસને કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળ્યો હતો કે મેમનગર ગોપાલનગર ખાતે રોહીદાસનું દવાખાનું નકલી છે.
ગુજરાત યુનિવર્સિટી પોલીસે અર્બન હેલ્થ સેન્ટરમાં જઈને ડોક્ટરને લેખિત યાદી આપી હતી. ડોક્ટરની ટીમ, મ્યુનિ.ની હેલ્થ વિભાગની ટીમ સાથે પોલીસે જઈને મેમનગર વાળીનાથમાં દુકાનમાં તપાસ કરી હતી. ત્યાં મની ક્લિનિક લખેલી દુકાનમાંથી એલોપેથિક દવાનો જથ્થો મળી આવ્યો હતો.
આ જથ્થા સાથે રૂહિદાસ ઢાલી નામનો ૨૮ વર્ષનો યુવક પણ મળી આવ્યો હતો. રૂહિદાસની પૂછપરછ કરતા તે મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે અને કેટલાક સમયથી દુકાન ભાડે રાખીને દવાખાનું ચલાવીને લોકોને દવા આપતો હોવાનું સામે આવ્યું હતું.
દર્દીઓને દવા આપવા માટે કોઈ માન્ય સર્ટિફિકેટ ન હોવાથી પોલીસે ૪૨ હજારની મતાની દવાઓ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે વધુ તપાસ કરતા આરોપી રૂહિદાસ ઢાલી તેના કાકા લીટોન બીસ્વાસને પણ સાથે રાખીને કામ કરતો હોવાનું સામે આવ્યુ હતું.
જેથી ગુજરાત યુનિ. પોલીસે પંચનામું કરી દવાનો જથ્થો કબ્જે લઇને રૂહિદાસ ઢાલી અને લીટોન બીસ્વાસ નામના બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.SS1MS