આણંદ જીલ્લામાં ત્રિપાંખીયો જંગ: મતદારોના મૌનથી ઉમેદવારોમાં ઉચાટ
આણંદ જીલ્લામાં પડઘમ શાંતઃ શામ, દામ, દંડ, ભેદ શરૂ મતદારોના અકળ મૌનનો ઉમેદવારોમાં ઉચાટ
(પ્રતિનિધિ) પેટલાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન તા.પ ડિસેમ્બરના રોજ યોજાનાર છે. રાજ્યની ૯૩ પૈકી આણંદ જીલ્લાની સાત બેઠકો ઉપર પણ મતદાન યોજાશે. આ સાત બેઠકોનો પ્રચાર પ્રસાર આજરોજ સાંજે પાંચ કલાકે સંપન્ન થતા સમામ પક્ષોના પડઘમ શાંત પડી ગયા છે.
મતદાનના આડે હવે માત્ર ૩૬ કલાક બાકી છે ત્યારે દરેક પક્ષના ઉમેદવારો જીતવા માટે શામ, દામ, દંડ, ભેદ અપનાવી મતદારોને પોતાની તરફે કરવા પ્રયત્નો કરશે. જાે કે આ વખતે મતદારોનું અકળ મૌન ઉમેદવારોમાં ઉચાટ વધાર્યો છે. અત્રે નોંધપાત્ર બાબત એ છે કે પ્રથમ તબક્કાના મતદાનમાં સૂચક ઘટાડાએ ઉમેદવારોની ચિંતામાં વધારો કર્યો હોવાનું જાણવા મળે છે.
આણંદ જીલ્લાની ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, પેટલાદ અને સોજીત્રા બેઠકો ઉપર વિધાનસભા ચૂંટણીનું મતદાન આગામી સોમવારના રોજ યોજાનાર છે. છેલ્લા પંદર દિવસથી ચાલતા પ્રચાર – પ્રસાર દરમિયાન દરેક બેઠકના ઉમેદવારોએ સભાઓ, રેલી, ખાટલા બેઠકો વગેરેનું આયોજન કરી મતદારોનો લોક સંપર્ક કર્યો હતો. આ તમામ ગતિવિધી આજરોજ સાંજથી પૂર્ણ થઈ ગયેલ છે.
છેલ્લા પંદર દિવસના રાજકીય સમીકરણો ઉપર નજર કરીએ તો ખંભાત બેઠક ઉપર છેલ્લા ૩ર વર્ષથી ચાલતા આવતા ભાજપના શાસન ઉપર આ વખતે પ્રશ્નાર્થ જાેવા મળે છે. આ બેઠક ઉપર ભાજપના મયુર રાવલ સામે સ્થાનિક મતદારોથી લઈ તમામ લોકોમાં વિરોધનો વંટોળ જાેવા મળ્યો હતો. સોશ્યલ મિડીયા ઉપર પણ આ વિરોધ સતત ચાલુ જ રહ્યો હતો.
જેનો સીધે સીધો લાભ કોંગ્રેસના ચિરાગ પટેલને મળી રહ્યો હોવાની વાત ચર્ચાસ્પદ છે. અહિયા ભાજપ દ્વારા દેશના ગૃહ મંત્રી અને યૂપીના સીએમની સભાઓ ગજવવામાં આવી હતી. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર દ્વારા લોક સંપર્ક, સભાઓ અને રેલીનું આયોજન કર્યું હતુ.
હવે જાેવાનું એ રહેશે કે જીલ્લામાં ભાજપના ગઢ ગણાતા ખંભાતના મતદારો પક્ષની આબરૂ બચાવે છે કે ઉમેદવારને સબક શિખવાડે છે ? જીલ્લાની બોરસદ બેઠક ઉપર કોંગ્રેસ અને ભાજપ દ્વારા ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. આ બેઠક ઉપર છેલ્લા બે ટર્મ દરમિયાન સરસાઈમાં ઘટાડો જાેવા મળ્યો છે.
માટે આ વખતે ભાજપને આ બેઠક મળવાની આશા જન્મી છે. પરંતુ બોરસદમાં ભાજપના કેટલાક નેતાઓમાં છૂપો અસંતોષ હોવાને કારણે શહેરી મતદારોમાં ગાબડુ પડે તો નવાઈ નહી. બીજી તરફ પ્રચારના અંતિમ તબક્કામાં કોંગ્રેસ દ્વારા ડાન્સરો બોલાવાતા આ વિષય ભારે ચર્ચાસ્પદ બનવા પામ્યો છે.
હવે જાેવાનું એ રહેશે કે બોરસદ બેઠક કોંગ્રેસ પાસે યથાવત રહે છે કે ભાજપ આંચકી લે છે ? કોંગ્રેસના ગઢ સમાન ગણાતી આંકલાવ બેઠક ઉપરથી પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ પુનઃ ઝંપલાવ્યું છે જેઓની સામે ભાજપ દ્વારા નવા ચહેરાને ઉતારવામાં આવ્યા છે.
આ બેઠક ઉપર ભાજપ દ્વારા પઢિયાર સમાજના ઉમેદવારની પસંદગી થતા અહિયા ચૂંટણી રસાકસી વાળી બની રહી છે. જાે કે ગત ટર્મમાં ભારે સરસાઈથી વિજેતા થયેલ અમિતભાઈ ચાવડાને કદાચ આ વખતે ખુબ જ ઓછી સરસાઈ થી સંતોષ માનવો પડે તેમ હોવાનું જાણવા મળે છે.
જીલ્લાના સિલ્ક સીટી ગણાતા ઉમરેઠ બેઠક ઉપર ભાજપ દ્વારા ગોવિંદભાઈ પરમારને રિપીટ ઉમેદવારો તરીકે ઉતારવામાં આવ્યા છે. બીજી તરફ કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન થતા અહિયા એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંતભાઈ ઉર્ફે બોસ્કી પટેલે ઉમેદવારી નોંધાવી છે.
ગત ચૂંટણીમાં આ બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ત્રીપાંખીયો જંગ થયો હતો. જેને કારણે બેઠક ભાજપના ફાળે ગઈ હતી. પરંતુ આ વખતે કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનને કારણે ભાજપ માટે જીત મેળવવી અઘરી બની રહી છે. જાે કે આ બન્ને ઉમેદવારો વચ્ચે ભારે રસ્સાખેચ હોવાથી અહિયા મતદારોમાં ભારે ઉત્તેજના જાેવા મળે છે.
જીલ્લાના વડા મથક એવા મિલ્ક સીટી આણંદ બેઠક ઉપર કોંગ્રેસ અને ભાજપ દ્વારા ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. આ બેઠક ઉપર આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જાેરદાર મુકાબલો બની રહ્યો છે. આ બન્ને ઉમેદવારોએ પોતાના મત વિસ્તારમાં લોક સંપર્ક, સભાઓ અને અંતિમ તબક્કામાં ભવ્ય રેલીનું આયોજન કરી મતદારોને પોતાના તરફ આકર્ષવા એડીચોટીનું જાેર લગાવ્યું છે.
આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ગત પાંચ વર્ષ દરમિયાન કોઈ ને કોઈ વિવાદમાં રહ્યા હોવાનું જાણવા મળે છે. જેનો પોલીટીકલ ફાયદો ભાજપના ઉમેદવારને થઈ શકે છે. પરંતુ ભાજપમાં પણ ટિકીટ વાંચ્છુઓની જૂથબંધી સપાટી ઉપર હોવાની વાત ચર્ચાસ્પદ બનવા પામી છે.
આણંદ જીલ્લાની પેટલાદ બેઠક ઉપર આ વખતે કોંગ્રેસ અને ભાજપ દ્વારા બન્ને નવા શિક્ષિત ચહેરાઓ ઉતારી અપસેટ સજ્ર્યો છે. આ બેઠક ઉપર બન્ને ઉમેદવારો વચ્ચે જાેરદાર મુકાબલો થવા સાથે જ્ઞાતી સમીકરણ ચાલી રહ્યું હોવાનું જાણવા મળે છે. આ બેઠક ઉપર લગભગ ૩ર વર્ષ પછી ક્ષત્રિય ઉમેદવાર આવતા મુકાબલો ખરાખરીનો બની રહ્યો છે.
અત્રે નોંધપાત્ર બાબત એ છે કે આ બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા નિરંજન પટેલનુ પત્તુ કાપતા ભરતસિંહ સોલંકીની છાવણીમાં સોપો પડી ગયો હતો. માટે આ બેઠક જીતવી ભરતસિંહના જૂથ માટે અસ્તિત્વની લડાઈ ગણવામાં આવે છે, જ્યારે બીજી તરફ યેનકેન પ્રકારે આ બેઠક કોંગ્રેસ પાસેથી ભાજપ આંચકી લે તેવી રણનિતી નિરંજન પટેલ દ્વારા થઈ રહી હોવાની વાત પેટલાદ વિધાનસભા મત વિસ્તારમાં જાેરશોરથી ચાલી રહી છે.
જીલ્લાના સોજીત્રા બેઠક ઉપરથી ભાજપના જીલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ અને કોંગ્રેસના પૂનમભાઈ પરમાર વચ્ચે ત્રીજી વખત જંગ થઈ રહ્યો છે. ગત બે ટર્મ દરમિયાન કોંગ્રેસના પૂનમભાઈ પરમાર ખુબ જ પાતળી સરસાઈથી જીતી રહ્યા છે. ગત વર્ષો દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કોંગ્રેસ પાસે હતી,
જે હવે ભાજપ પાસે છે. ઉપરાંત વિપુલભાઈ પટેલ ભાજપના જીલ્લા પ્રમુખ હોવાને કારણે સંગઠન બળ તેઓને જીતાડવા કામે લાગી ગયુ છે. તેમાય ગતરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું આયોજન કરી મતદારોને પોતાની તરફે કરવા પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો.
જાે કે આ બેઠક ઉપર સોજીત્રા અને પેટલાદ તાલુકાના ગામડાઓની સંખ્યા કરતા તારાપુર તાલુકાના ગામડાઓની સંખ્યા વધુ છે. જ્યા પૂનમભાઈ પરમાર ખુબ સારૂ પ્રભુત્વ ધરાવે છે. આ બેઠક ઉપર પણ જાે જ્ઞાતી સામીકરણ કારગત નિવડે તો ફરી એક વખત ચોકાવનારા પરિણામ આવે તો નવાઈ નહી !
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ટર્મમાં આણંદ જીલ્લાની સાત પૈકી પાંચ બેઠકો કોંગ્રેસ પાસે હતી, જ્યારે ભાજપના ફાળે બે બેઠકો હતી. હવે આ વખતે ત્રિપાંખીયો મુકાબલો ખરાખરીનો હોવાથી તમામ આધાર મતદાન ઉપર હોવાનું માનવામાં આવે છે. જાે કે આણંદ જીલ્લામાં દરેક બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થઈ રહી છે.
આ બેઠકો ઉપર આમ આદમી પાર્ટી કે અપક્ષ ઉમેદવારો કોઈ ખાસ પ્રભાવ પાડી શકે તેવુ લાગતુ નથી. છતા ઉમેદવારોમાં ત્રિપાંખીયાનું ફેક્ટર ચિંતાનો વિષય જરૂર છે. સાથે સાથે મતદારોનુ અકળ મૌન તમામ બેઠકના ઉમેદવારોની ચિંતા વધારી રહ્યું છે. જાે કે હવે જાેવાનું એ રહેશે કે અંતિમ ૩૬ કલાક દરમિયાન ઉમેદવારો પોતાની જીત અંકે કરવા શામ, દામ, દંડ, ભેદની નિતી અખત્યાર કરે છે કે કેમ ?