આણંદના સાતેય મતવિસ્તારમાં ફ્લાઈંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સની ૪૨ ટીમો કાર્યરત
આણંદ, ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવું સુચારું આયોજન ચુંટણીપંચ દ્વારા કરવામાં આવ્યું છે. આદર્શ આચારસંહિતાની અમલવારી માટે વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે. જે પૈકી ફલાઇંગ સ્કવોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ ચૂંટણી જાહેર થતાની સાથે જ કાર્યન્વિત બની ગઈ છે.
સમગ્ર રાજ્યમા આવેલા તમામ વિધાનસભા મતવિસ્તારમાં ફલાઇંગ સ્કવોડ અને સ્ટેટિક સર્વેલન્સની ટીમો કાર્ય કરી રહી છે. દરેક મતવિસ્તારમા મતદારોને રીઝવવા માટે આપવામાં આવતી રોકડ, દારુ કે અન્ય કોઇપણ લોભામણી બાબતો પર આ ટીમો નજર રાખી રહી છે.
આણંદ જિલ્લાની ૧૦૮- ખંભાત, ૧૦૯- બોરસદ, ૧૧૦- આંકલાવ, ૧૧૧- ઉમરેઠ, ૧૧૨- આંણદ, ૧૧૩- પેટલાદ, અને ૧૧૪- સોજીત્રામાં મળીને સાતેય વિધાનસભા બેઠકોમા ત્રણ અલગ અલગ શિફ્ટમા ફ્લાઇંગ સ્ક્વોડની ૨૧ અને સ્ટેટીક સર્વેલન્સની ૨૧ મળી કુલ ૪૨ ટીમો કાર્યરત છે. જેમા ફ્લાઇંગ સ્ક્વોડની પ્રત્યેક ટીમમા ૩ અને સ્ટેટીક સર્વેલન્સની પ્રત્યેક ટીમમા ૨ પોલીસકર્મીઓ રાખવામા આવ્યા છે.
આણંદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી ડી.એસ.ગઢવીના માર્ગદર્શન નીચે આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા બેઠક માટે સઘન કામગીરી કરવામા આવી રહી છે જે અંતર્ગત પ્રતિબંધિત વસ્તુઓની તેમજ દારુ- રોકડની હેરફેર પર નિયંત્રણ મૂકવા માટે જિલ્લાના સાતેય વિધાનસભા માટે નિમાયેલ ફ્લાઈંગ સ્કવોડ અને સ્ટેટિક સર્વેલન્સની ટીમ સતત કામગીરી કરી રહી છે.
જિલ્લાના પ્રવેશદ્વારો સહિતના વિવિધ ચેકપોસ્ટ, નાકા તથા અન્ય જરૂરી સ્થળોએ વાહનોનું સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. તેમજ ગેરકાયદે પ્રવૃત્તિઓને નિયંત્રીત કરવા પૂરી સજ્જતા સાથે કામગીરી હાથ ધરવામા આવી છે.