ગણતરીની પળોમાં ૧૦૦ થી ર૦૦ ટેસ્ટ થઇ જાય તેેવું ઇ-કેન્સર ડિવાઇસ આણંદ હોસ્પિટલમાં
આણંદ જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લાનું એક માત્ર રૂા. ૭.૬૫ લાખના ખર્ચે ઇ-કેન્સર ડિવાઇસનું લોકાર્પણ કરતાં મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી -સ્વસ્થ અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે સરકાર પ્રતિબધ્ધ છે – શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી
આણંદ, રાજયના મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ પેટલાદ ખાતેના જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કર્યા બાદ આણંદ ખાતે આવી પહોંચતા આણંદ જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા રોગી કલ્યાણ સમિતિ દ્વારા રૂા. ૭.૬૫ લાખના ખર્ચે વસાવવામાં આવેલ ઇ-કેન્સર ડિવાઇસનું લોકાર્પણ કરતાં મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર સ્વસ્થ અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે સરકાર પ્રતિબધ્ધ હોવાનું જણાવ્યું હતું.
મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ આણંદ જિલ્લામાં કોઇપણ ખાનગી હોસ્પિટલો કે સરકારી હોસ્પિટલોમાં ન હોય તેવું એક માત્ર ઇ-કેન્સર ડિવાઇસની સેવાઓ આણંદની જનરલ હોસ્પિટલમાં ઉપલબ્ધ બનાવવા જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી ત્રિવેદીએ મહિલાઓ બ્રેસ્ટ કેન્સરની સારવારમાં બહુ મોટો ખર્ચ આવવાની સાથે મેમોગ્રાફી જેવી સારવાર કરાવવી પડતી હોય છે તેનાથી તેઓ તેની તપાસ કરાવતી નથી તેમ જણાવ્યું હતું. તેમણે વધુમાં આણંદની જનરલ હોસ્પિટલ ખાતે માત્ર બે જ મિનીટમાં અને તે પણ નજીવા દરે તપાસ કરવામાં આવનાર હોઇ મહિલાઓને તેનું નિદાન કરાવી લેવાની અપીલ કરી હતી.
મહેસૂલ મંત્રીશ્રીએ બ્રેસ્ટ કેન્સરનું સમયસર નિદાન થવાથી અને તેની ત્વરિત સારવાર કરાવાથી ઝડપથી સાજા થવાની સાથે મેમોગ્રાફી પણ કરાવી પડતી નથી તેમ જણાવ્યું હતું. તેમણે વધુમાં મહિલાઓને હવે બ્રેસ્ટ કેન્સર કે કેન્સર અસાધ્ય રોગ રહ્યો નથી અને જો પ્રાથમિક તબકકે તેનું નિદાન થઇ જાય તો ઝડપથી સાજા થઇ જવાય છે અને મોટા ખર્ચમાંથી બચી શકાતું હોઇ કોઇપણ ગભરાટ કે મનમાં કચવાટ રાખ્યા વગર તપાસ કરાવી લેવી જોઇએ તેમ કહ્યું હતું.
શ્રી ત્રિવેદીએ ઘણીવાર જાણકારીના અભાવે નિદાન કરાવતી નથી તેના કારણે રોગમાં વધારો થઇ જતો હોય છે ત્યારે મહિલાઓમાં જાગૃતિ આવે તે માટે મહિલાઓને જાગૃત કરવા સુચવ્યું હતું.
આ પ્રસંગે આણંદ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. અમર પંડયાએ ઇ-કેન્સર ડિવાઇસ કેવી રીતે કામ કરે છે અને તેનાથી ગણતરીની પળોમાં ૧૦૦ થી ર૦૦ ટેસ્ટ થઇ જાય છે તેમ જણાવ્યું હતું. તેમણે વધુમાં આણંદ જનરલ હોસ્પિટલ ખાતે આ સેવાઓ ઉપલબ્ધ થતાં નાગરિકોના વાર્ષિક અંદાજે રૂા. ૨૫ લાખથી વધુ બચત થવા પામશે તેમ કહ્યું હતું.
આ પ્રસંગે ડૉ. પંડયાએ આજે આ ડીવાઇસના માધ્યમથી આણંદ જનરલ હોસ્પિટલ ખાતે કેમ્પ પણ યોજવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ, જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ
શ્રી વિપુલભાઇ પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મેઘા મહેતા, મ્યુનિસિપલ કાઉન્સિલરો, જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, આશા બહેનો, જનરલ હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ હાજર રહ્યા હતા.
મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ ત્યારબાદ આણંદ જનરલ હોસ્પિટલની બાજુમાં આવેલ સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા સેન્ટરના વિકાસ માટે રજૂ કરવામાં આવેલ વિવિધ પ્રશ્નો પરત્વે હકારાત્મક પ્રતિભાવ આપી યોગ્ય નિકાલ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.