દીકરીઓના અભ્યાસ અને ભવિષ્ય માટે સરકાર ચિંતીત છે-આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ
આણંદ જિલ્લા પંચાયત ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી
આણંદ, સમગ્ર રાજયમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૧ ઓગસ્ટથી તા. ૭ ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજ રોજ જિલ્લા પંચાયત આણંદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમારના માર્ગદર્શન હેઠળ મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમારે જણાવ્યુ હતું કે આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે ત્યારે સરકારે મહિલાઓને પગભર કરવા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે.મહિલાઓ દરેક ક્ષેત્રની જેમ રાજકીય રીતે પણ આગળ આવે તે માટે સરકારે મહિલાઓને ૫૦ % અનામત આપી છે.
આપણે દીકરીઓને પૂરો અભ્યાસ કરાવવો જોઈએ જેથી કરીને તે આત્મનિર્ભર બની શકે અને સમગ્ર દેશનું નામ રોશન કરી શકે. તેમણે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” કાર્યક્રમને સફળ બનાવવા દરેક લોકોએ પોતાના ઘર, ઓફિસ, કામના સ્થળે તિરંગો લહેરાવવા અનુરોધ કર્યો હતો.
હંસાબેન પરમાર મહિલાઓને અપીલ કરતાં જણાવ્યુ કે તમને સરકાર તરફથી જે સહાય મળી છે તેની માહિતી અન્ય લોકોને પણ આપો જેથી કરીને બીજા લોકો પણ વધુમાં વધુ લાભ મેળવી શકે.
મહિલા અગ્રણીશ્રી નિપાબેન પટેલે જણાવ્યુ હતું કે નારી એટલે સર્વોપરી, આજની નારી તમામ ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને કોઈ પણ મુશ્કેલીમાં અડીખમ ઊભું રહેવાની ક્ષમતા ધરાવે છે. મહિલાઓએ કોઈ પાસે નેતૃત્વ શીખવાની જરૂર નથી. સરકારે સ્ત્રીઓને સન્માન, ઓળખ અને હોદ્દા આપ્યા છે અને નેતૃત્વ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, અગ્રણી નીપાબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ અંજનાબેન અને મહાનુભાવોના હસ્તે પ્રાથમિક શાળા ખાતે અધવચ્ચેથી શિક્ષણ છોડી ગયેલ દીકરીઓને પુનઃ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો, તેવી ચાર દીકરીઓનું બહુમાન કરવામાં આવ્યું અને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા મહિલાઓનું મોમેન્ટો આપી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ખેતી અને પશુપાલન ક્ષેત્રે સફળ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી અંજનાબેન, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી નિવેદિતા ચૌધરી, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી પિંકીબેન ઠાકોર, દહેજ પ્રતિબંધ અધિકારીશ્રી મનીષાબેન મુલતાની, ICDS આણંદના ચેરમેન, પ્રોગ્રામ ઓફિસર તેજલબેન ગૌસ્વામી તથા અન્ય પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ હાજર રહ્યા હતા