સુરતની પાલ ગામ સ્થિત શાળા ક્રમાંક ૩૧૯ માં આનંદમેળાની ઉજવણી થઈ
સુરત, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા શાળા ક્રમાંક ૩૧૯માં આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા આનંદમેળાની ઉજવણી કરવામાં આવી હતી. ક્રય- વિક્રયની પ્રક્રિયાથી અને ગાણિતિક વ્યવહારુ જ્ઞાનથી વિદ્યાર્થીઓ પરિચિત થાય અને શિક્ષણનો જીવનમાં ઉપયોગ કઈ રીતે કરી શકાય એવાં એપ્લિકેશન ઓફ નોલેજનાં પ્રયોગને સાર્થક કરવા માટે શાળામાં આનંદમેળાનું આયોજન થયું હતું.
કુલ ૨૫ જેટલાં સ્ટોલ બનાવાયા હતાં જેમાં અવનવી વાનગીઓનાં સ્વાદની લિજ્જત વિદ્યાર્થીઓએ માણી હતી. શાળાનાં ભૂતપૂર્વ શિક્ષિકાઓ શ્રીમતી સુધાબેન અને કૈલાશબેન દ્વારા આનંદ મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સુધાબેન દ્વારા દરેક સ્ટોલ પર શુકનનવંતી બોણી કરવામાં આવી હતી. સ્ટોલની સજાવટ અને ગોઠવણીમાં નીમાબેન, અર્ચનાબેન અને મીતાબેને વિશેષ જહેમત ઉઠાવી હતી. સૌ શિક્ષિકા બહેનોએ પોતાનાં વર્ગનાં વિદ્યાર્થીઓને આનંદમેળામાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતાં.
મોટી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી આનંદમેળાને માણ્યો હતો. આનંદમેળામાં કળાત્મક સેલ્ફી ઝોન “મારી શાળામાં મારી છબી” એ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું.
સ્થાનિક કોર્પોરેટર નિલેશભાઈ પટેલ તથા જલારામ યુવક મંડળનાં ભરતભાઈ પટેલે સૌને ટેલીફોનિક શુભેચ્છા પાઠવી હતી. શાળાનાં શિક્ષિકા હેતલબેન દ્વારા આનંદ મેળાનો હેતુ સ્પષ્ટ કરવામાં આવ્યો હતો. શાળાનાં આચાર્ય પ્રકાશભાઈ પરમારે આનંદ મેળામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને તથા આનંદ મેળાનું સુંદર મજાનું આયોજન કરનાર શિક્ષિકા બહેનોને અભિનંદન પાઠવ્યા હતાં.