ઓલપાડની કોબા પ્રાથમિક શાળામાં અનોખી રીતથી આનંદમેળાનું આયોજન કરાયું
(પ્રતિનિધિ) સુરત, બદલાતાં સમયમાં બાળકો ભવિષ્યમાં આત્મનિર્ભર બને, પોતાનું જીવન કઈ રીતે ગુજારવું અને સાથે પૈસાનો વ્યવહાર કઈ રીતે કરવો વગેરે જેવી બાબતો શીખે એવાં ઉમદા હેતુસર ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કોબા પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સદર આનંદમેળામાં બાળકો દ્વારા કુલ ૨૦ જેટલાં અલગ અલગ વાનગીઓનાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતાં. બાળકોનાં વાલીજનો સહિત ગ્રામજનોએ આ આનંદમેળાની મુલાકાત લઈ વિક્રેતા બાળકોની અવનવી વાનગીઓનો ભરપૂર આસ્વાદ માણ્યો હતો.
આ આનંદમેળાની એક વિશેષતા એ હતી કે ગ્રાહકે સૌપ્રથમ નિયત ટેબલ પરથી ભાવપત્રક મુજબ નાણાં ચૂકવીને ટોકન લેવી, ત્યારબાદ જે તે સ્ટોલ પર જઈ પોતાની મનપસંદ વાનગીની ડીશ મેળવવી. આ પ્રસંગે બાળકોએ સ્વચ્છતા સંબંધિત સભાનતા પણ કેળવી હતી.
પ્રારંભે ગામનાં સરપંચ દિલીપભાઈ પટેલ દ્વારા આનંદમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. શાળાનાં સ્ટાફગણે આરંભથી અંત સુધી ખડેપગે રહી બાળકોને યોગ્ય માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતું. આનંદમેળાનું સુચારુ આયોજન શાળાનાં આચાર્ય ડો. ધર્મેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં સમગ્ર કાર્યક્રમ સંદર્ભે બાળકોનાં રિવ્યૂ લેવામાં આવ્યા હતાં. જેમાં સ્ટોલધારક બાળકોએ પોતાનાં અનુભવોની ઉત્સાહભેર વાતો રજૂ કરી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.