રજાના દિવસે આનંદ નિકેતન સ્કૂલ ચાલુ રહેતા DEO એ નોટીસ આપીઃ દંડ પણ ફટકારાશે

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં આંબેડકર જયંતિની જાહેર રજાના દિવસે સ્કૂલ ચાલુ રખતા જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલને નોટીસ ફટકારી હતી. તે ઉપરાંત સ્કૂલ ચાલુ રાખવા મુદ્દે ખુલાસો પણ માગવામાં આવ્યો હતો.
જો સ્કૂલ ખુલાસો નહીં આપે તો મોટા દંડની કાર્યવાહી કરવાની જિલ્લા શિક્ષણ અધિકારીએ ચીમકી ઉચ્ચારી હતી. પ્રતિ વિદ્યાર્થી દીઠ ૧૦ હજારનો દંડ કેમ ના કરવો તે અંગેની સ્કૂલને નોટીસ મોકલવામાં આવી હતીરજાના દિવસે આનંદ નિકેતન સ્કૂલ ચાલુ રખાઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગઈકાલે ડો. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિની જાહેર રજાના દિવસે અમદાવાદમાં આનંદ નિકેતન સ્કૂલ ચાલુ હોવાની જિલ્લા શિક્ષણ અધિકારીને માહિતી મળી હતી. રજાના દિવસે સ્કૂલના સંચાલકોએ વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવતા વાલીઓમાં અનેક સવાલો ઉભા થયા હતાં. આ અંગે ડીઈઓને જાણ થતાં જ તેઓ આકરા પાણીએ જોવા મળ્યા હતાં.
જિલ્લા શિક્ષણ અધિકારીએ આનંદ નિકેતન સ્કૂલને એક નોટીસ ફટકારી હતી. જેમાં જાહેર રજાના દિવસે શૈક્ષણિક કાર્ય કેમ ચાલુ રાખવામાં આવ્યું તેનો ખુલાસો માંગવામાં આવ્યો હતો. સ્કૂલ દ્વારા કોઈ ખુલાસો નહીં કરવામાં આવે તો પ્રતિ વિદ્યાર્થી દીઠ ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકારવાની જિલ્લા શિક્ષણ અધિકારીએ તૈયારી કરી હતી.
સ્કૂલને આખરી નોટીસ આપીને આ દંડ કેમ ના કરવો જોઈએ તેનો પણ ખુલાસો માંગવામાં આવ્યો છે. જો સ્કૂલ ખૂલાસો નહીં આપે તો કાર્યવાહી કરવામાં આવશે એવું જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું.