Western Times News

Gujarati News

ભરૂચની આનંદ નિકેતન સ્કૂલનાં પ્રિન્સિપાલ, હેડ. મીસ્ટ્રેસ અને પીટી શિક્ષક સામે પોલીસ ફરિયાદ

ધો.૮ માં અભ્યાસ કરતા ફરિયાદીના પુત્રને તાઈક્વોન્ડોની પ્રેક્ટિસ વેળાં સાથી વિદ્યાર્થીએ લાત મારતાં જડબામાં બે ફ્રેક્ચર થયા હતા

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના ચાવજ પગુથણ રોડ પર આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ ૮ ના વિદ્યાર્થીને તાઈક્વોન્ડોની પ્રેક્ટિસ વેળાં સાથી વિદ્યાર્થીએ લાત મારતાં જડબામાં બે ફ્રેક્ચર થતા માતાએ સ્કૂલ સંચાલકો સામે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ભોલાવ ખાતે આવેલાં બાંસુરી હાઈટ્‌સમાં રહેતાં નિધીબેન શુભમ ચોકસે પોલીસ ફરિયાદ નોંધાવી છે.જેમાં તેઓ આક્ષેપ કર્યા છે કે તેઓના બન્ને સંતાનો ચાવજ પગુથણ રોડ પર આવેલાં આનંદ નિકેતન સ્કૂલમાં અભ્યાસ કરતાં હતાં.તેમનો મોટો પુત્ર પ્રથમ ધો.૮ માં અભ્યાસ કરતો હતો.ગત ૪ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ તેમનો પુત્ર નિત્યક્રમ મુજબ સ્કૂલે ગયો હતો.

આ દરમ્યાનમાં સાડા અગિયાર વાગ્યાના અરસામાં સ્કૂલ માંથી અલ્પેશભાઈનો તેમને ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તેમના પુત્ર પ્રથમને દાંતમાં વાગ્યું છે અને લોહી નિકળે છે જેથી તેમણે ઈજા થવાનું કારણ પુછતાં જણાવ્યું હતું કે સ્કૂલમાં તાઈક્વોન્ડો પ્રેક્ટિસ વેળાં તેમના પુત્રને વાગ્યું છે.તેમણે તેમના પતિને જાણ કરતાં તેઓ પણ આવી જતાં તેઓ સ્કૂલ પર પહોંચ્યાં હતાં. તેમણે તુરંત તેમના પુત્રને લઈને હોસ્પિટલમાં પહોંચ્યા હતા.જ્યાં તબીબે તેમના પુત્રનું પરીક્ષણ કરતાં તેના જબડામાં બે જગ્યાએ ફેક્ચર હોવાનું માલુમ પડ્‌યું હતું.જેના પગલે તેમણે તુરંત તેમના પુત્રની સારવાર શરૂ કરાવી દીધી હતી.

અરસામાં તેમણે પુત્રને ઘટના અંગે પુછતાં તેણે જણાવ્યું હતું કે સ્કૂલમાં ૧૦ઃ૧૦ થી ૧૦ઃ૫૦ દરમ્યાન તાઈક્વોન્ડો પ્રેક્ટિસનો લેક્ચર હોઈ પી.ટી ટીચર નવીનસર તેમને પ્રેક્ટિસ કરાવતાં હતાં. તેની સાથે ભણતા આયુષ સાથે તેને ફાઈટ કરવાની હોઈ તેણે માથા,છાતી તેમજ પગમાં સેફ્‌ટી ગાર્ડ પહેરાવ્યાં હતાં પણ મોઢામાં પહેરવાનું ગમ ગાર્ડ તેમને આપ્યા ન હતા.

અરસામાં આયુષે તેને ગોળફરીને જોરથી કીક મારતાં ઈજા થઈ હતી. ઘટનામાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી.જે બાદ નવીન સરે પાણીના કોગળા કરાવેલ અને રિસેપ્શન પાસે મને બેસાડેલ અને થોડી વાર પછી મને પ્રિન્સિપાલ વિવેક સરની ઓફિસ પાસે લઈ ગયેલ ત્યાર બાદ હેડ.મીસ્ટ્રેસની ઓફિસમાં લઈ ગયેલ.

જે બનાવના પગલે પગલે ઈજા પામનાર ની માતા નિધિ ચોકસેએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં સ્કૂલના પ્રિન્સિપાલ વિવેક સક્સેના, હેડ.મીસ્ટ્રેસ મનીષા સોલંકી અને પીટીના શિક્ષક નવિનસિંગ રાવત સામે તારીખ ૫ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.