Western Times News

Gujarati News

આણંદના NRIને હનીટ્રેપમાં ફસાવનાર ટોળકી અમદાવાદથી પકડાઈ: મહિલાની સંડોવણી પણ પકડાઈ

પ્રતિકાત્મક

સુરતમાં રહેતી મહિલા સહિત ચારની ધરપકડ

આણંદ, આણંદના એનઆરઆઈને હની ટ્રેપમાં ફસાવીને ૭પ૦૦ રૂપિયા બળજબરીપૂર્વક કાઢી લેનાર સુરતની ગેંગને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અમદાવાદના બાપુનગર ખાતે આવેલી આંગડિયા પેઢી ખાતે છટકું ગોઠવીને ઝડપી પાડી હતી. આ અંગે શહેર પોલીસ મથકે ગુનો દાખલ કરાવીને વધુ તપાસ અર્થે રિમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

મૂળ આણંદના પરંતુ હાલમાં અમેરિકાના ન્યુજર્સી ખાતે રહેતા મનિષકુમાર ઘનશ્યામભાઈ પટેલ એકાદ પહેલાં અમેરિકા હતા ત્યારે ફેસબુક ઉપર હેતલ પટેલ નામની આઈડી પરથી ફ્રેન્ડસ રિકવેસ્ટ આવતા તેમને સ્વીકારી હતી. બાદમાં સામાન્ય મેસેજોની આપ-લે થઈ હતી. ત્યારબાદ ર૯-૧-રપના રોજ ભારત આવ્યા હતા. બે દિવસ બાદ હેતલ પટેલને ફેસબુક મેસેન્જર ઉપર હું આણંદ આવ્યો હોવાનો મેસેજ કર્યો હતો.

જેથી ફેસબુક ઉપર હેતલ પટેલે મોબાઈલ નંબર મોકલી આપ્યો હતો. થોડીવાર બાદ તેના નંબર પરથી ફોન આવ્યો હતો અને હું આણંદ બ્યુટી પાર્લરના કામ અર્થે આવી છું અને સાંજના સાત વાગ્યા સુધી આણંદમાં જ છું. તમે મને નવા બસ સ્ટેન્ડ પાસે મળવા આવો તેમ જણાવ્યું હતું. રાત્રે ફરી ફોન આવ્યો હતો અને હું બસ સ્ટેન્ડ ખાતે આવું છું તેમ જણાવ્યું હતું. બાદમાં પાનના ગલ્લે મળીને પોતાની ઓળખ કિંજલ પટેલ તરીકે આપી હતી.

જેથી મનિષકુમારને શંકા ગઈ હતી પરંતુ તેણી એક્ટિવા પાછળ બેસી ગઈ હતી અને વેન્ડોર ચોકડીએ લઈ આવી હતી જ્યાં બ્લેક કલરની કારમાં ચાર શખ્સો પહોંચ્યા હતા. એક શખ્સે પોલીસનું આઈકાર્ડ બતાવીને હું અમદાવાદ પોલીસમાંથી આવું વું અને મારું નામ અજય છે. આ છોકરી ડ્રગ્સનું કામ કરે છે અને વોન્ટેડ છે. તમે શું અમેરિકાથી ડ્રગ્સ લાવીને છોકરીને આપવા આવ્યા હતા.

બાદમાં ડ્રગ્સ-બળાત્કાર અને એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ર૦ લાખ માંગતા અંતે પાંચ લાખમાં સોદો નક્કી કર્યો હતો. ખિસ્સામાંથી રોકડા રૂ.૮,પ૦૦ બળજબરીપૂર્વક કાઢી લીધા હતા. પોતાની પાસે એક પણ પૈસો નથી તેમ કહેતા એક હજાર રૂપિયા પરત આપ્યા હતા.

મનિષકુમાર પોતાના કાકા વિજયભાઈને ઘરે ગયા હતા અને ત્યાં સઘળી વિગતો જણાવી હતી ત્યારબાદ બીજા દિવસે તેઓ એલસીબી પોલીસ મથકે હકીકત જણાવતા પોલીસ સક્રિય થઈ ગઈ હતી અને છટકાનું આયોજન કર્યું હતું. બપોરે ફરી ફોન આવતા મનિષકુમારે અઢી લાખની વ્યવસ્થા થઈ છે તેમ જણાવતા જ તેમણે આંગડિયા પેઢી દ્વારા મોકલી આપવાની વાત કરી હતી.

આંગડિયું કર્યાની સ્લીપ વોટ્‌સએપ ઉપર મોકલી આપતા અજય સહિતના શખ્સો બાપુનગરમાં આંગડિયા પેઢીએ પૈસા લેવા માટે ગયા હતા જ્યાં અગાઉથી જ ગોઠવાઈ ગયેલી પોલીસે એક મહિલા સહિત ચારને ઝડપી પાડયા હતા.

એલસીબી ઓફિસ લાવીને પૂછપરછ કરતાં ચિરાગભાઈ ગોબરભાઈ જાદવ, ફેસબુકની હિસ્ટ્રી ડિલિટ કરનાર હર્ષદભાઈ નારણભાઈ જાદવ, કિંજલ અને હેતલ તરીકે ઓળખ આપનાર મહિલા કાજલબેન બાબુભાઈ પરબત તેમજ ભાવેશ જયસુખભાઈ બાંભણિયા (રહે.તમામ સુરત)ના હોવાનું જણાવ્યું હતું. પોલીસે કાર પણ જપ્ત કરી ગુનો દાખલ કરાવીને વધુ તપાસ અર્થે રિમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.