Western Times News

Gujarati News

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના શુભ વિવાહની શરણાઈઓ ગૂંજી

મુંબઈ, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શુભ વિવાહના દિવસો નજીક આવી રહ્યા છે. મામેરા સાથે શુભ ુપ્રસંગોની શરૂઆત થઈ ચૂકી છે. ૧૨ જુલાઈએ મુંબઈ ખાતે આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે તેમના લગ્ન થશે અને ત્યાર બાદ ૧૩મીએ શુભ આશીર્વાદ અને ૧૪મીએ મંગલ ઉત્સવનું આયોજન કરાયું છે. ત્રણ દિવસના ભવ્ય લગ્ન સમારંભમાં સમગ્ર વિશ્વમાંથી વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ભાગ લેશે.

જામનગર ખાતે રિહાન્નાના પરફોર્મન્સની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ હતી. આ ઉજવણીમાં મેટાના સીઆઈ માર્ક ઝુકરબર્ગ સહિત વિશ્વના અગ્રણી ઉદ્યોગતિઓએ ભાગ લીધો હતો. ફિલ્મ જગતમાંથી બચ્ચન પરિવાર, શાહરૂખ ખાન સહિત અનેક સેલિબ્રિટીઝે હાજરી આપી હતી. ૧૨થી ૧૪ જુલાઈ દરમિયાન લગ્નના શુભ પ્રસંગમાં જાણીતા સિંગર્સ એડલે, ડ્રેક અને લાના ડેલ રે પરફોર્મ કરે તેવી શક્યતા છે.

આ ત્રણેય સિંગર્સ સાથે તારીખો હજુ ફાઈનલ થઈ નથી, પરંતુ કેનેડિયન પોપ સ્ટાર જસ્ટિન બીબરે આ પ્રસંગ સંદર્ભે મુલાકાતની મુંબઈ લીધી છે અને તેનું લાઈવ પરફોર્મન્સ કન્ફર્મ છે. મુંબઈ ખાતે એન્ટિલિયામાં અંબાણી પરિવારના નિકટના સભ્યોની હાજરીમાં પૂજા બાદ જિયો કન્વેન્શન સેન્ટરમાં લગ્ન સમારંભ શરૂ થશે.

જેમાં ૧૨ જુલાઈએ શુભ વિવાહ, ૧૩મીએ શુભ આશીર્વાદ અને ૧૪મીએ મંગલ ઉત્સવનું આયોજન કરાયું છે. ગુજરાતી પરંપરા મુજબ લગ્નની વિધિ પહેલા મામેરું યોજાયું હતું. મુકેશ અંબાણી, નીતા અંબાણી, નીતાબેનના માતા પૂર્ણિમા દલાલ, આકાશ-શ્લોકા અંબાણી, અનંત-રાધિકા અને ઈશા અંબાણી- આનંદ પિરામલ સહિત પરિવારજનો મામેરામાં હાજર રહ્યા હતા.

ગુજરાતી પરંપરા મુજબ મામા તરફથી કન્યાને મિઠાઈ-ભેટ અપાયાં હતા. મામેરા માટે એન્ટિલિયાને લાલ, ગુલાબી અને કેસરી ફૂલથી સજાવવામાં આવ્યું હતું. મામેરામાં રાધિકાએ માતાની જ્વેલરી અને મનીષ મલહોત્રાએ ડિઝાઈન કરેલી બાંધણી પસંદ કરી હતી.

મનીષ મલહોત્રાએ બાંધણી-જ્વેલરી સાથે રાધિકાનાં ફોટોગ્રાફ્સ શેર કર્યાં હતા. બાંધણીમાં સોનાના તારની ઝરદોશી, બોર્ડર પર દુર્ગા માના શ્લોકની એમ્બ્રોઈડરી હતી. અનંત-રાધિકાનાં લગ્ન પૂર્વે અંબાણી પરિવાર દ્વારા ૨ જુલાઈએ પાલઘર ખાતે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું.

જેમાં ગરીબ પરિવારના ૫૦ નવયુગલ લગ્ન ગ્રંથિએ જોડાયા હતા. અંબાણી પરિવાર દ્વારા દરેક નવવધૂને મંગળસૂત્ર, વીંટી, નાકની ચુની, પગની વીંટી અને પાયલ આપવામાં આવ્યા હતા. આ સાથે સ્ત્રીધન તરીકે રૂ.૧.૦૧ લાખનો ચેક અપાયો હતો. અંબાણી પરિવારે દરેક યુગલને નવા ઘરમાં ઉપયોગી કરિયાણું, ઘરવપરાશની ચીજો, એપ્લાયન્સીસ જેવી વસ્તુઓ ભેટમાં આપી હતી.

ત્રણ દિવસના લગ્ન સમારંભમાં દેશ-વિદેશમાંથી વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના છે ત્યારે અતિથિઓની આગતા-સ્વાગતા માટે વિશેષ તૈયારીઓ કરાઈ છે. વારાણસીની જાણીતી ચાટ ઉપરાંત પરંપરાગત ભારતીય વ્યંજનો અને વિદેશી વાનગીઓ રાખવામાં આવશે. આ ત્રણેય દિવસ અતિથિઓને પરંપરાગત ભારતીય પોશાકમાં સજ્જ થઈ નવ દંપતિને શુભેચ્છા આપવા આમંત્રણ અપાયું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.