કડીમાં આંગડિયા પેઢીના એકાઉન્ટન્ટનો વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાત
પેઢી માલિક પિતા-પુત્ર, ર વ્યાજખોરો સહિત ૬ શખ્સો સામે ફરિયાદ
મહેસાણા, માણસના રિદ્રોલ ગામના અને હાલ નાની કડીની સંતરામ સિટી સોસાયટીમાં રહેતા જાગૃતિ નિકુંજભાઈ પટેલની ફરિયાદ મુજબ તેમના પતિ નિકુંજ રણછોડભાઈ પટેલ સવારે પ્રભાવતી સ્કુલમાં શિક્ષક તરીકે અને બપોર પછી રોનક પટેલની કડી સ્થિત એસ.રામ કોર્પોરેશનની આંગડિયા પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા.
દસેક માસ પહેલાં નિકુંજે તેની પત્નીને વાત કરી હતી કે એસ.રામ કોર્પોરેશનમાં તેમની સાથે પેઢીમાં કામ કરતાં જીતેન્દ્ર પ્રજાપતિને પેઢીના હવાલાના ૧.૮૧ કરોડ હવાલાવાળી જગ્યાએ આપવા મોકલ્યો હતો તે પૈસા લઈને ક્યાંક જતો રહ્યો છે.
તેણે વિશ્વાસઘાત કર્યો છે બીજી તરફ શેઠ પટેલ રોનક રામચંદ્ર અને તેના પિતા રોનક રામચંદ્ર અને પટેલ રામચંદ્ર હરજીવનદાસ તેમના માથે જવાબદારી નાખી પૈસા આપવા દબાણ કરી ધાકધમકી આપતાં હતાં. રોનકે ધમકી આપી ૧૦ કોરા ચેકમાં સહી લીધી છે.
તેણીના પતિ, જેઠ, નણદોઈ રોનક પટેલ સાથે કડી ગયેલા અને નોટરી રૂબરૂ પ્રોમિસરી નોટ લખાવી લઈ મકાનનો દસ્તાવેજ કરાવી દીધો હતો અને પાસપોર્ટ પણ લઈ લીધા હતા. નિકુંજે આ લોકોના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો છે. મૃતકની પત્નીની ફરિયાદ આધારે કડી પોલીસે રોનક પટેલ, રામચંદ્ર હરજીવનદાસ પટેલ, અજયસિંહ જાડેજા, જીતેન્દ્ર અમૃતલાલ પ્રજાપતિ, ભાવેશ પટેલ અને પ્રયંક ગઢવી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.