યુવતીએ આંગડિયા પેઢીના માલિકને હનીટ્રેપ ફસાવી ર૯ લાખની રોકડ પડાવી
ખોખરા પોલીસે વેપારીને પ્રેમજાળમાં ફસાવનાર યુવતી સહિત ત્રણ જણાને ઝડપી લીધા
(એજન્સી)અમદાવાદ, ખોખરા વિસ્તારમાં આંગડિયા પેઢીના વેપારીને પ્રેમજાળમાં ફસાવીને એક યુવતી અને તેના સાગરિતે રૂ.રર લાખ રોકડા અને રૂ.૭ લાખના દાગીના મળીને રૂ.ર૯ લાખની મતા પડાવી લીધી હતી. પોલીસે હનીટ્રેપમાં ફસાવવાનું કાવતરું રચનાર બે સાગરિત અને યુવતીને ઝડપી લીધા હતા.
બાપુનગર વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષીય જયકિશનભાઈ પટેલ (નામ બદલ્યું છે) આંગડિયા પેઢી ચલાવે છે. ર૦રરમાં ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશન મારફતે તેઓ વિનોદ ગુપ્તા નામના શખ્સના સંપર્કમાં આવ્યા હતા. ગુપ્તાએ સોનમ ચેટરજી નામની છોકરીનો ફોટો મોકલ્યો હતો અને તે પછી જયકિશને રૂબરૂ મળવાની ઈચ્છા વ્યક્ત કરતાં સોનમ હાટકેશ્વર બ્રિજ નીચે મળવા આવશે એમ કહીને બન્ને મળ્યા હતા.
ત્યારે યુવતી જયકિશનને મણિનગરની એક હોટલમાં લઈ ગઈ હતી. થોડા દિવસ બાદ જયકિશન અને વિનોદ ગુપ્તા સોનમને લઈને ગોવા ફરવા જવાનું નક્કી કર્યું હતું. આ માટે સાત દિવસના પેકેજ પેટે રૂ.૧.૪૦ લાખ જયકિશને ચૂકવ્યા હતા. આમાં વિનોદ ગુપ્તાએ રૂ.૩પ હજારની રકમ કમિશન પેટે લીધી હતી. ત્રણેય પાછા આવ્યા પછી સોનમે જયકિશનનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો. આથી બન્ને વચ્ચે સંપર્ક બંધ થઈ ગયો હતો.
દરમિયાન ર૦ર૩માં સોશિયલ મીડિયા મારફતે સોનમનો જયકિશનને ભેટો થતાં સંપર્ક ફરીથી શરૂ થયો હતો. બન્ને ફરીથી મણિનગરની હોટલમાં ગયા હતા જ્યાં સોનમે જયકિશનને વિનંતી કરી હતી કે, તેને દેહવ્યાપારના ધંધામાંથી બહાર નીકળવું છે. મને કોલકાતાથી બાલેશ્વર શેઠ અહીં લઈ આવ્યો છે. મારે શેઠને રૂ.૧૦ લાખ આપવાના છે. જો તમે આપો તો તમારી સાથે પ્રેમથી રહીશ.
એટલે સોનમની વાતોમાં આવીને જયકિશને રૂ.૧૦ લાખ બાલેશ્વરને આપ્યા હતા. આ પછી સોનમે બીમારી સહિતના અલગ અલગ બહાના બતાવીને રૂ.રર લાખ રોકડા અને રૂ.૭ લાખના દાગીના જયકિશન પાસેથી પડાવી લઈ ગત તા.૧૮ જૂનથી જયકિશનને મળવાનું બંધ કરી દીધું હતું.
જયકિશને તપાસ કરતાં ખોખરામાં આવેલી દીપક પાર્ક સોસાયટીમાં વિનોદ ગુપ્તા અને સોનમ પતિ પત્ની તરીકે રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. આથી જયકિશને સોનમ ઉત્તમ ચેટરજી, વિનોદ ગુપ્તા અને બાલેશ્વર ગુપ્તા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી છે.