એન્જેલિના જોલી હોલિવૂડને હેલ્ધી બિઝનેસ નથી માનતી
એન્જેલિના અને બ્રાડ ૨૦૧૮માં અલગ થયા અને ૨૦૧૯માં તેમણે સિંગલ હોવાની પણ જાહેરાત કરી દીધી હતી
મુંબઈ, છેલ્લાં કેટલાંક મહિનાથી એન્જેલિના જોલી ચર્ચામાં રહી છે. સાઇકોલોજિકલ ડ્રામા ફિલ્મ મારીઆમાં મારીઆ કલાસના રોલને વિવેચકો અને દર્શકો ઘણો વખાણ્યો છે. ઘણા લાંબા સમય પછી તે આ રોલથી ફરી લોકોની નજરમાં આવી છે. સાથે જ તેના બ્રાડ પિટ સાથેના ડિવોર્સના કેસનો પણ તાજેતરમાં લાંબા સમયની લડત પછી સંપૂર્ણ અંત આવી ગયો છે. તેથી હવે એન્જેલિના થોડાં વખતથી નવા તરોતાજા એટિટ્યુડ લાથે દેખાવા લાગી છે.
એન્જેલિના અને બ્રાડ ૨૦૧૮માં અલગ થયા અને ૨૦૧૯માં તેમણે સિંગલ હોવાની પણ જાહેરાત કરી દીધી હતી. લાંબી કાનૂની લડત પછી આખરે તેમના ડિવોર્સની પ્રક્રિયા તાજેતરમાં પૂરી થઈ છે. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં તેણે જાહેર કર્યું છે કે હોલિવૂડમાં કામ કરવું સહેલું નથી, ઘણાં સંઘર્ષ કરવા પડે છે.મારીઆના તેના રોલ અંગે તેને શંકા હતી કે, તે એ રોલને ન્યાય આપી શકશે કે નહીં કારણ કે આ પહેલાં કોઈએ તેને એ રોલ માટે રિજેક્ટ કરી હતી.
એન્જેલિનાએ કહ્યું હતું, “મેં ક્યારેય ગાયું નહોતું. એક વખત હું ગાતી હતી ત્યારે મને કોઈએ કહેલું કે તારે ગાવું ન જોઈએ અથવા તો હું ગાતી હતી એ તેમને પસંદ નહોતું આવતું, તેનાથી મેં ખરેખર ગાવાનું બંધ કરી દીધું હતું.”એન્જેલિનાએ આગળ કહ્યું, “તેથી મેં જ્યારે પાબ્લોએ આ રોલ માટે પૂછ્યું અને કહ્યું કે હું ગાઈ શકીશ કે નહીં ત્યારે હું ખોટું બોલી, કોઈ મારિઆ જેવું ગાઈ શકે નહીં, પરંતુ મેં મારાથી થાય એટલું સારું કરવાની કોશિષ કરી.
જેમાં પાબ્લોએ એન્જેલિનાના ખૂબ વખાણ કર્યા.”એન્જેલિનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા માગતા યુવાનોને સલાહ આપતા કહ્યું, “એક કૅરિઅર બનાવવા પર જ ઘણું ધ્યાન આપવું પડે છે. જો તમને થિએટર ગમતું હોય તો તમે ઘરે પાયજામા પહેરીને પણ સ્ક્રિપ્ટની તૈયારી કરી શકો છો, તમને એ રોલ મળશે જ એવું માની લેવાની જરૂર નથી. એક કલાકાર તરીકે જીવવાના અલગ વિકલ્પો શોધતા રહો.
પરંતુ સંપૂર્ણ જીવન જીવવાની કોશિશ કરો. હોલિવૂડની ઇન્ડસ્ટ્રી ઘણી વખતે હેલ્ધી બિઝનેસ નથી હોતી. અહીં કામ કરવું સહેલું નથી. ઘણો સંઘર્ષ કરવો પડે છે. આ જગ્યા તમે તમારું બધું જ સોંપી દો, તેને લાયક નથી.”