અનિલ અંબાણી સામે ૧૭ નવેમ્બર સુધી કોઈ સખત કાર્યવાહી નહીં: બૉમ્બે હાઈ કોર્ટ

મુંબઇ, આઇટી વિભાગે બે સ્વિસ બૅન્ક અકાઉન્ટ્સમાં રાખવામાં આવેલા ૮૧૪ કરોડ રૂપિયા કરતાં વધુના બેનામી ભંડોળ પર ૪૨૦ કરોડ રૂપિયાની કરચોરી કરવા બદલ આઠમી ઑગસ્ટે અનિલ અંબાણીને નોટિસ જાહેર કરી હતી
બૉમ્બે હાઈ કોર્ટે બ્લૅક મની ઍક્ટ હેઠળ રિલાયન્સ ગ્રુપના ચૅરમૅન અનિલ અંબાણી સામે કાર્યવાહી કરવાની માગણી સાથે જાહેર કરવામાં આવેલી કારણદર્શક નોટિસ પર ૧૭ નવેમ્બર સુધી તેમની વિરુદ્ધ કોઈ સખત પગલાં ન ભરવાનો સોમવારે આવકવેરા વિભાગને હુકમ કર્યો હતો.
આઇટી વિભાગે બે સ્વિસ બૅન્ક અકાઉન્ટ્સમાં રાખવામાં આવેલા ૮૧૪ કરોડ રૂપિયા કરતાં વધુના બેનામી ભંડોળ પર ૪૨૦ કરોડ રૂપિયાની કરચોરી કરવા બદલ આઠમી ઑગસ્ટે અનિલ અંબાણીને નોટિસ જાહેર કરી હતી.
આઇટી વિભાગે અનિલ અંબાણી પર જાણી જાેઈને કરચોરી કરવાનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે તેમણે તેમની વિદેશી બૅન્ક-ખાતાની વિગતો તથા નાણાકીય હિતો ભારતીય ટૅક્સ ઑથોરિટી સમક્ષ પ્રગટ કર્યાં નહોતાં.ચાલુ મહિનાના પ્રારંભમાં અનિલ અંબાણીએ નોટિસને પડકારતાં હાઈ કોર્ટનું શરણું લીધું હતું
અને બ્લૅક મની ઍક્ટ ૨૦૧૫માં અસ્તિત્વમાં આવ્યો હોવાનો અને કથિત વ્યવહારો આકારણી વર્ષ ૨૦૦૬-’૦૭ અને ૨૦૧૦-’૧૧ના હોવાનો દાવો કર્યો હતો. આઇટી વિભાગ વતી ઍડ્વોકેટ અખિલેશ્વર શર્માએ પિટિશનનો જવાબ આપવા સમય માગ્યો હતો.
જસ્ટિસ એસ. વી. ગંગાપુરવાલા અને જસ્ટિસ આર. એન. લઢ્ઢાની ડિવિઝન બેન્ચે પરવાનગી આપીને આ મામલાની આગામી સુનાવણી માટે ૧૭ નવેમ્બરની તારીખ નક્કી કરી હતી.