Western Times News

Gujarati News

મોરબીથી આખલાઓના ખસીકરણ ઝુંબેશનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા પશુપાલન મંત્રી

રાજ્યમાં નવા ૧૨૭ ફરતા પશુ દવાખાનાઓ ટૂંક સમયમાં શરુ કરાશે : રાઘવજીભાઈ પટેલ

(માહિતી) અમદાવાદ, રખડતા ઢોર અને ખાસ કરીને આખલાઓના ત્રાસમાંથી લોકોને મુક્તિ અપાવવા માટે આખલાઓના ખસીકરણની રાજ્યવ્યાપી ઝુંબેશનો મોરબીની શ્રી યદુનંદન ગૌશાળા ખાતેથી પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આજે રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આ ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર નાગરિકોની સતત ચિંતા કરે છે. રસ્તે રખડતા પશુઓનું સંવર્ધન થાય અને આ ઢોરના કારણે થતા અકસ્માતો, માનવ મૃત્યુ કે ઈજા અને ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય તે માટે આ ખાસ ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમણે મોરબી ખાતેથી શરુ થયેલી આ ખસીકરણ ઝુંબેશને વ્યાપક અને સફળ બનાવવા માટે ગૌશાળાઓ, વિવિધ સ્વયંસેવી સંસ્થાઓ સહિત નાગરિકોને સહયોગ આપવા અપીલ કરી હતી.

તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર હંમેશા પશુપાલકોની પડખે ઉભી છે અને પશુપાલકોની આર્થિક ઉન્નતિ માટે અનેક યોજનાઓ કાયાર્ન્વિત કરી છે. જેના ભાગરૂપે હાલ રાજ્યમાં ૪૬૫ જેટલા ફરતા પશુ દવાખાના કાર્યરત છે. ગામે-ગામે પશુઓની સારવાર વધુ સુલભ બનાવવા માટે રાજ્યમાં નવા ૧૨૭ ફરતા પશુ દવાખાનાઓ ટૂંક સમયમાં શરુ કરાશે. મોરબી-માળીયાના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગાયો અને અન્ય ઢોરનું સંવર્ધન કરવામાં આવી રહ્યું છે. ખસીકરણ ઝુંબેશ આવી સંસ્થાઓને સાથે રાખી કરવામાં આવે તો આ ઝુંબેશ વધુ સફળ થશે.

આ પ્રસંગે શ્રી યદુનંદન ગૌશાળા ખાતે ૫૦ જેટલા આખલા અને વાછરડાઓનું ખસીકરણ કરવામાં આવ્યું હતું તેમજ મંત્રીશ્રીના વરદ હસ્તે ગાયોની સેવા માટે દાન કરતા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ મંત્રી શ્રી જયંતીભાઈ કવાડીયા અને શ્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી જયંતીભાઈ પડસુંબિયા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.