Western Times News

Gujarati News

એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા પશુ પક્ષી કલ્યાણ પખવાડિયું તા. 15 થી 31 જાન્યુઆરી સુધી ઉજવવાનું જાહેર કરાયું

સમસ્ત મહાજન અને શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં સહકારથી વિવિધ જીવદયા કાર્યક્રમો યોજાશે.

એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા પશુ પક્ષી કલ્યાણ પખવાડિયું તા. 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજન તથા કેન્દ્ર સરકાર દ્વારા પણ શ્રેષ્ઠ જીવદયા સંસ્થાનો એવોર્ડ વિજેતા અને નિઃશુલ્ક પશુ—પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની પ્રથમ ક્રમાંકની સંસ્થા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન, રાજકોટ દ્વારા શાળા,

કોલેજોમાં પશુ ચિકિત્સાની  પ્રાથમિક સારવાર માટે માર્ગદર્શન, પશુ કલ્યાણ નિયમો અંગે માહિતી શિબિર, ભોજન રથ દ્વારા અબોલ જીવો માટે ભોજનની વ્યવસ્થા, જામુન, લીમડો, પીપળો, વડલો  જેવા પક્ષી ઉપયોગી વૃક્ષોના વાવેતરનો કાર્યક્રમ, ગાયના પંચગવ્યમાંથી ઉત્પાદિત ઉત્પાદનો વિશે માહિતી, ઘવાયેલા પશુ પક્ષીની પ્રાથમિક સારવાર અંગેની જાણકારી આપવા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવું તેમજ પશુ પક્ષીઓ માટે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવું,

કતલખાના અંગેના નિયમો વિષે જાગરૂકતા ફેલાવવી તેમજ  દરરોજ શાકાહાર, જીવદયા પ્રચાર-પ્રસાર અભિયાન, ચકલીના માળનું વિતરણ, ગાય માતા માટે પાણી પીવા માટેની કુંડી તથા પંખીઓ માટે પાણી પીવા માટેના કુંડાનું વિતરણ સહિતના કાર્યક્રમો કરવામાં આવશે.

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન, રાજકોટ દ્વારા આયોજિત વિશ્વનાં સૌથી મોટાં પક્ષી બચાઓ અભિયાન-૨૦૨૫‘ ની પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત દરમ્યાન રાઘવજીભાઈએ  ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડનાં સહયોગથી સમસ્ત મહાજન તથા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન, રાજકોટ દ્વારા યોજાનાર પ્રાણી કલ્યાણ પખવાડિયાનાં બેનરનું પણ વિમોચન કર્યું હતું.

વિશેષ માહિતી માટે એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડો. ગિરીશ શાહ અને એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા (ભારત સરકાર)નાં એવોર્ડ એન્ડ ઇવેન્ટ કમિટીનાં સભ્ય મિતલ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.