આંકલાવમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટની શાખા શરૂ થઈ રહી છે

અમરેલીના તરવડાના ગ્રામીણ વિસ્તારમાં પણ રાજકોટની શાખા ચાલી રહી છે જ્યાં તદ્દન નજીવા લવાજમ ઉપર 2500 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે.
આણંદ, આંકલાવમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટની શાખા શરૂ થઈ રહી છે તે બાબતમાં સ્થાનિક લોકોમાં કદાચ કેટલીક ગેરસમજ પ્રવર્તી રહી છે. તો નીચેની વિગત ઉપર નજર નાખશો તો ખ્યાલ આવશે કે કોઈપણ વિસ્તારમાં આ સંસ્થા શરૂ થવાથી સ્થાનિક લોકોને શું શું ફાયદાઓ થાય છે?
1. રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ગરીબ અને મધ્યમ વર્ગ માટેની સંસ્થા છે. આઝાદીના ઉષાકાળ એટલે કે 1947થી રાજકોટમાં પ્રતિદિન ₹1 લવાજમથી 1000 વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. અનેક ઇજનેરો, ડોક્ટરો, અધિકારીઓ, પત્રકારો તેમજ બિઝનેસમેન આ સંસ્થામાંથી ભણીને સમાજમાં સ્થિર થયા છે. અત્યાર સુધીમાં લગભગ 1 લાખ વિદ્યાર્થીઓને સુશિક્ષિત કરી દેશ-વિદેશમાં સારા સ્થાન ઉપર બેસાડવામાં આ સંસ્થાનો સિંહ ફાળો છે.
સૌરાષ્ટ્રના ગામડાના વિસ્તારમાંથી આવતા ગરીબ બાળકો માટે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ એ આશીર્વાદ સમાન છે.2. આંકલાવમાં સ્વામિનારાયણ ગુરુકુળ શરૂ થવાથી સ્થાનિક વિસ્તારમાં અભ્યાસનું સ્તર એકદમ ઊંચું આવી જશે અને અત્યાર સુધી પછાત રહેલા આ વિસ્તારમાં શિક્ષણની એક નવી સરવાણી શરૂ થશે.
3.આ વિસ્તારમાં આર્થિક અગવડતાથી ભણી ન શકનાર એક પણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે એ જોવાનું ગુરુકુળનું મિશન રહેશે.
4.સ્થાનિક સ્તરે અનેક લોકોને રોજગાર મળશે. અહીંયા મોટી કોલેજ બનવાની છે અને એમાં શિક્ષકો, પ્રોફેસરો, ટેકનિશિયનો વગેરે સ્થાનિક વિસ્તારમાંથી રોજગારી પામવાના છે. એટલે આ અત્યાર સુધી ખરાબાની પડી રહેલી જમીન અહીંના વિસ્તાર માટે વિકાસની ગંગોત્રી સાબિત થશે.
5.વ્યસનમુક્તિ,સદાચાર પ્રવર્તન તેમજ દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવી ગંભીર કટોકટી સમયે આ સંસ્થા સ્થાનિક લોકો અને સ્થાનિક વહીવટી તંત્રની સાથે ખભે ખભા મિલાવી કામ કરશે .
6. એ પણ તદ્દન ભ્રામક વાત છે કે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં માત્ર સત્સંગીઓના છોકરાઓને જ એડમિશન મળે છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ અને તેની તમામ શાખાઓમાં કોઈપણ નાતજાતના ભેદભાવ વગર ઉંચ નીચના ભેદભાવ વગર શિક્ષણ આપવામાં આવે છે. અને રૂપિયા એક પ્રતિદિન લવાજમ નો લાભ તમામ જ્ઞાતિઓના, સત્સંગી હોય કે બિનસત્સંગી બધાને આપવામાં આવે છે.
અહીંયા ઊભી થનારી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ની વિશ્વકક્ષાની આ શાખાના સંચાલનની જવાબદારી જેમને અપાઈ છે એવા પૂજ્ય ત્યાગવલ્લભદાસ સ્વામીએ સ્થાનિક રિપોર્ટર સાથેની વાતચીતમાં ઉપરોક્ત વાતો જણાવી હતી. હાલમાં આ વિસ્તારમાં થઈ રહેલા વિરોધ બાબતે બોલતા પૂજ્ય સ્વામીજીએ કહ્યું કે કેટલાક લોકોને હજુ ગુરુકુળનો કન્સેપ્ટ ક્લિયર નથી. એ લોકો ગુરુકુળને માત્ર મંદિર સમજે છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચાર માટેનું માધ્યમ સમજે છે.
વાસ્તવમાં એવું નથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ એ શિક્ષણ અને સદાચાર પ્રવર્તનને વરેલી સંસ્થા છે. સ્થાનિક લોકોને વિનંતી કરતા પૂજ્ય સ્વામીજીએ કહ્યું કે તેઓએ પોતાનો કોઈ પણ અભિપ્રાય બનાવતા પહેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટની એક વખત મુલાકાત લેવી જોઈએ અને ત્યાં ચાલતી પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવું જોઈએ
જેથી ખ્યાલ આવશે કે આપણા વિસ્તારમાં આવી સંસ્થા આવે તો કેવું કામ થઈ શકે? અમરેલીના તરવડાના ગ્રામીણ વિસ્તારમાં પણ રાજકોટની શાખા ચાલી રહી છે જ્યાં તદ્દન નજીવા લવાજમ ઉપર 2500 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. ત્યાં પણ જો કોઈ આગેવાન કે પત્રકાર મુલાકાતે જશે તો ખ્યાલ આવશે કે આ સંસ્થાની સુવાસ કેવી પ્રસરી છે? અને સ્થાનિક લોકોને એનાથી કેટલા ફાયદાઓ થયા છે?