અંકલેશ્વરના બાકરોલ નજીક કેનાલમાં જોખમી રસાયણયુક્ત પાણી ઠાલવનાર ઈસમોની અટકાયત

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણ યુક્ત પાણી ઠાલવી દેવાના મામલામાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે આ મામલામાં પાંચ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ગત તારીખ ૧૪ ફેબ્રુઆરીએ હેઝાડ્સ કેમિકલ વેસ્ટને ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું.કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને મરવા લાગી હતી જ્યારે નહેરના પાણીનો રંગ બદલાયો હતો.ગંભીર બનાવ અંગે ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શિલ્પા ભાલાણીએ પાનોલી પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસે સૌ પ્રથમ અંકલેશ્વરથી સુરત વચ્ચે માર્ગ પર રહેલા ૧૫૦ થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા જેમાં એક સંદિગ્ધ આઈસર ટેમ્પો નજરે પડ્યો હતો. જો કે ટેમ્પો મળ્યો પણ નંબર ના જણાતા પોલીસ માટે પડકાર ઉભો થયો હતો.પોલીસને નંબર ના મળતા ડેડ એન્ડ માનવાના બદલે આઈસર ટેમ્પો શોધવા ૧૫૦ થી વધુ વાહનો ચકાસી નાખ્યા હતા.
તેમજ ભંગાર માર્કેટમાં ભંગારીયાઓ, કામદારો તેમજ ટ્રક ચાલક સહીત અનેક લોકોની ઉલટ તપાસ કરતા અંતે પોલીસને સફળતા હાથ લાગી હતી અને આઈસર ટેમ્પો ચાલક મોહંમદ શમીઉદ્દીન મોહંમદ અકિલુદ્દીન શેખને શોધી કરી તેની પૂછપરછ કરતા વચેટિયા લુકમાન અબ્દુલ્લા ઈદ્રિશીનું નામ સામે આવતા પોલીસની એક ટીમે તેને પણ ઉઠાવી લીધો હતો.
જે બાદ બંનેનું ઈન્ટ્રોગેશન શરુ કરતા લુકમાનએ અબ્દુલ વહાબનું નામ આપ્યું હતું તેના કહેવાથી તેણે અંકલેશ્વર જીઆઈડીસીમાં ખ્વાજા ચોકડી નજીક પ્લોટ નંબર ૪૬૧૬ પર આવેલ ક્યુ.વી.લેબ પ્રાઈવેટ લિમિટેડમાંથી રસાયણિક પાણી ભરેલા ૨૫ લીટરના ૨૦૦ ડ્રમ કંપની માંથી આઇસરમાં ભરી લાવ્યો હતો અને અને ડ્રમ બાકરોલ નજીક રાત્રીના અંધારામાં કેનાલમાં ખાલી કરી દીધા હતા.
અંદાજે ૫૦૦૦ લીટરનો રાસાયણિક કેમિકલ યુક્ત પાણી જથ્થો ઠાલવ્યો હોવાની કબૂલાત કરી હતી.જેના આધારે પોલીસે ક્યુ.વી.લેબ પ્રાઈવેટ લિમિટેડના સંચાલક કૃપેશ ગોરધન પટેલ, ચિંતન જગદીશ ચૌહાણ અને વેદાંત પ્રવીણ શાહને પણ ઝડપી પાડ્યા હતા.કંપની પાસેથી રાસાયણિક પાણીનો નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ કરનાર અબ્દુલ વહાબને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.આ મામલામાં પોલીસે સઅપરાધ માનવ વધનો ગુનો પણ દાખલ કર્યો છે.