Western Times News

Gujarati News

GIDCની કંપનીઓ વરસાદી કાંસમાં કેમીકલયુક્ત પાણી છોડી રહી હોવાની ફરિયાદ? GPCBની કાર્યવાહી

પ્રતિકાત્મક

અંકલેશ્વર GIDCની કંપનીઓ દ્વારા વરસાદી કાંસમાં રાસાયણિક પાણીનો નિકાલ કરાતા જીપીસીબીએ સેમ્પલ લીધા

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર જીઆઇડીસીની વરસાદી કાંસ હાલ પ્રદુષિત માફિયાઓના કુકર્મની કાંસ બની ગઇ છે.છેલ્લા એક સપ્તાહથી અલગ અલગ કાંસમાં વહેતા રંગબેરંગી રાસાયણિક પાણીના ધોધ જોવા મળી રહ્યા છે.જીઆઈડીસીમાં ઓવર હેડ પાઇપ લાઈન કાર્યરત છે.તો વરસાદી કાંસમાં કેમ નિકાલ થઈ રહ્યો છે?

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી હ્યુબેક – સજ્જન ઈન્ડિયા રોડ પર કાંસમાં રાસાયણિક પાણીના નિકાલના મામલે જાગૃત નાગરિકની ફરિયાદ બાદ જીપીસીબીએ સેમ્પલ લેવાની કામગીરી કરી હતી.અંકલેશ્વર જીઆઈડીસીમાં વરસાદી પાણીની કાંસમાં રાસાયણિક પ્રદૂષિત પાણી છોડવાની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવે છે.

છેલ્લા એક સપ્તાહથી રોજ અલગ અલગ સ્થાને વરસાદી કાંસમાં વિવિધ રંગના રાસાયણિક પાણી વહેતા હોવાના વિડીયો સોશ્યલ મીડિયામાં સામે આવી રહ્યા છે.ત્યારે ગતરોજ જીઆઈડીસીમાં સજ્જન ઈન્ડિયા કંપની સામે અને હ્યુબેક કંપનીની બાજુમાં જે વરસાદી પાણીની કાંસ આવેલ છે.જે કાંસમાં રાસાયણિક કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી વિપુલ માત્રમાં વહેતુ જોવા મળ્યું હતું.

ફૂલ ફોર્સમાં આવતા જાગૃત નાગરિક દ્વારા જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલીયાને જાણ કરાતા મોનીટંરીગ ટીમે સ્થળ પર દોડી આવી રાસાયણિક પાણી ક્યાંથી નીકળે છે? તે શોધવાનો પ્રયત્ન કર્યો હતો અને ફક્ત વહેતું કેમિકલ યુક્ત રાસાયણિક પ્રદૂષિત પાણીના નમૂના ભરી કામગીરી પૂર્ણ કરી નીકળી ગયા હતા.પાણી કઈ દિશા માંથી આવ્યું તે અંગે તપાસ કરવાની દરકાર લેવાઈ ન હતી.

ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરની સૌથી મોટી જીઆઈડીસીમાં કેમીકલ ઉદ્યોગો ધમધમી રહ્યા છે અને જીપીસીબીની રીજનલ ઓફિસ પણ કાર્યરત છે.ત્યારે દર વખતે કંપનીમાં અકસ્માત બાદ માત્ર ક્લોઝર આપીને સંતોષ માનતુ જીપીસીબી નિયમીત રીતે ચેકિંગ કેમ હાથ નથી ધરતુ તેવા સવાલો ઉઠી રહ્યા છે.કરોડો રૂપિયાના ખર્ચે ઓવર હેડ પાઈપ લાઈન તાજેતરમાં જ નાખવામાં આવેલ છે

અને ભૂગર્ભ લાઈન બંધ કરી ઓવર હેડ પાઈપ લાઈન રાસાયણિક પાણી પમ્પીંગ સ્ટેશનમાં પહોંચાડી શકાય છે.જેને લઈ ભૂગર્ભ જળમાં ભૂતિયા કનેક્શન વડે થતું નિકાલ અટકાવી શકાય તેમજ ઓવર હેડ લાઈનમાં થતી નિયત માત્રા કરતાં વધુ પ્રદુષિત પાણી છોડતા તત્ત્વોને પકડી કાર્યવાહી કરવાની જરૂર છે.ત્યારે કરોડો રૂપિયા ખર્ચે નંખાયેલી આ લાઈન શોભાના ગાંઠિયા સમાન બની રહી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.