100 કરોડથી વધુનો ફટકો પડયો બાંગ્લાદેશમાં અરાજકતાને કારણે અંકલેશ્વરના ઉદ્યોગોને
અંકલેશ્વર, ઈઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધ બાદ બાંગ્લાદેશમાં ફાટી નીકળેલા ગૃહયુદ્ધને લઈ અંકલેશ્વરના ઉદ્યોગકારો ભીંસમાં મૂકાઈ ગયા છે. અંકલેશ્વરથી બાંગ્લાદેશ થતી ૧૦૦ કરોડ ઉપરાંતની નિકાસ પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાઈ ગયા છે.
પાડોશી દેશ બાંગ્લાદેશમાં અરાજકતાભર્યું વાતાવરણ છે. વિદ્રોહીઓએ શેખ હસીનાની સરકારને ઉખાડી ફેંકી છે તો ચારે તરફ હિંસા અને અસ્થિરતા ફેલાઈ છે. પાડોશી દેશની સ્થિતિની આડઅસર ભારતીય ઉદ્યોગો પર પડી રહી છે. ઉદ્યોગ જગતના જાણકારો અનુસાર બાંગ્લાદેશની અરાજકતાના કારણે અંકલેશ્વરના ઉદ્યોગને ૧૦૦ કરોડ ઉપરાંતનો ફટકો પડયો છે.
બાંગ્લાદેશ ભારત ઉપર મોટી નિર્ભરતા ધરાવે છે. ખેત પેદામશ, કાપડ, પેટ્રોલિયમ પ્રોડકટ્સ, પ્લાસ્ટિક અને કેમિકલની ભારત અ પાડોશી દેશમાં નિકાસ કરે છે.
દેશનું સૌથી મોટું ઈન્ડસ્ટ્રીયલ કલસ્ટર અંકલેશ્વર બાંગ્લાદેશમાં નિકાળ પાછળ મોટી ભૂમિકા ભજવે છે. અંકલેશ્વરથી બાંગ્લાદેશમાં ડાઈઝ અને પ્લાસ્ટીક પ્રોડકટ્સની મોટી માત્રામાં નિકાસ કરવામાં આવે છે. ડામાડોળ સ્થિતિમાં ત્યાંના ઉદ્યોગોની આગામી સમયની સ્થિતિ અંગે અત્યારથી અંદાજ લગાવવો મુશ્કેલ બની રહ્યો છે.
અંકલેશ્વરથી રવાના થયેલા ઘણા કન્ટેનર માર્ગમાં છે. આ માર્ગસ્થ કન્ટેનરની ડિલિવરી થશે કે નહીં અને થશે તો પેમેન્ટ સહિતની અનિશ્ચિતતાની ચિંતા ઉદ્યોગકારોને સતાવી રહી છે. અંકલેશ્વર કેમિકલ મેનયુફેકચરર પ્રવિણ તેરૈયાએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશની ચિંતાજનક સ્થિતિના કારણે અંકલેશ્વરના ઉદ્યોગોને ૧૦૦ કરોડનું નુકસાન સહન કરવું પડયું છે.
અગાઉ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે વૈશ્વિક ઉદ્યોગ જગતમાં ઉથલપાથલ જોવા મળી હતી. ફૂડ ઓઈલ ઉપરાંત સંખ્યાબંધ કેમિકલ રો-મટીરિયલના ભાવો આસમાને પહોંચ્યા હતા. યુદ્ધને કારણે આયાત નિકાસના યાતાયાતને ભારે નુકસાન પહોંચ્યું હતું. બાંગ્લાદેશમાં વર્તમાન કટોકટીએ સ્થાનિક ડાઈઝ સહિતના કેમિકલ ઉદ્યોગો ઉપર પડયા ઉપર પાટા જેવી સ્થિતિ સર્જી દીધી છે.
ઉદ્યોગો પર આવી પરિસ્થિતિ યથાવત રહી તો મેદાન છોડી શકે છે ત્યારે સરકાર કોઈ પોલિસી બનાવી આવા ઉદ્યોગોને મૃતઃપાય અવસ્થામાંથી બચાવી લે તેવી આશ સ્થાનિક ઉદ્યોગ જગત રાખી રહ્યું છે.