અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં હવા પ્રદુષણ બાદ પ્રદુષિત પાણી વરસાદી ગટરોમાં ફેલાયા
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં હવાના સતત ત્રણ દિવસના પ્રદુષણ બાદ હવે વરસાદી પાણી સાથે પ્રદુષિત પાણી વરસાદી ગટરોમાં ફેલાયા હતા.ઘટનાની જીપીસીબીને ફરિયાદ બાદ પણ સતત બે દિવસથી એક જ સ્થળેથી વહેતા પ્રદુષિત પાણીથી આ કેહવાતી કાર્યવાહી અને સરકારના સ્લોગનો સ્વચ્છ ભારત, નિર્મળ ગુજરાત સામે પ્રશ્નાર્થ સર્જાયા છે.
ભરૂચ જીલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહતો આવેલી છે અને તેમાં વિવિધ કંપનીઓ ધમધમી રહી છે.ઉદ્યોગો દ્વારા આડેધડ હવા,પાણી સહિતના પ્રદુષણ ફેલાવતા હોય છે.જેની ઉપર અંકુશ લાવવા સરકારના વિવિધ વિભાગો કાર્યરત છે.પરંતુ બેફામ પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગો સામે કહેવાતી કાર્યવાહી થતા ઉદ્યોગો બેફામ બની રહ્યા છે અને આડેધડ પ્રદુષણ ફેલાવી રહ્યા છે.
છેલ્લા ત્રણ ચાર દિવસથી અંકલેશ્વર અને ભરૂચમાં કંપનીઓ દ્વારા છોડવામાં આવતા હવા પ્રદુષણ થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.તો બીજી બાજુ સતત બે દિવસથી વરસતા વરસાદનો લાભ લઈ ઉદ્યોગો તેનું પ્રદુષિત પાણી વરસાદી ગટરોમાં ઠાલવી રહ્યું છે.ત્યારે આવો જ કિસ્સો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત માંથી સામે આવ્યો છે.
જેમાં વરસાદી પાણી સાથે કેટલાક બેજવાબદાર ઉદ્યોગોના પ્રતાપે કેમિકલયુક્ત અને વિવિધ કલરનું પ્રદુષિત પાણી વરસાદી ગટરોમાં વહેતા થયા હતા.આ જોતા પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબીને ફરિયાદ કરાતા જીપીસીબી દ્વારા સ્થળ તપાસ થઈ હતી.જો કે બીજા દિવસ સુધી એ જ સ્થળેથી વહેતુ પ્રદુષિત પાણી બંધ થયું ન હતું.
બે દિવસ પેહલા હવાના પ્રદુષણની ફરિયાદ બાદ પણ સતત ત્રણ રાત પ્રદુષિત હવા અંકલેશ્વર તાલુકાના અનેક ગામો સુધી પ્રસરી હતી.જે બાદ પ્રદુષિત અને વિવિધ કલર વાળું પાણી વહેતા થતા જીપીસીબી દ્વારા કોઈ કાર્યવાહી નહિ થતા સરકરી તંત્રની ખરેખરની કામગીરી અને સરકારી સુત્રો “સ્વચ્છ ભારત, નિર્મળ ગુજરાતના સ્લોગનો સામે પ્રશ્નાથ સર્જાયા છે.