અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેથી ૧ દેશી પિસ્તોલ અને ૧૪ કાર્ટીઝ સાથે એક ઈસમ ઝડપાયો
ભરૂચ એલસીબીએ દેશી પિસ્તોલ,કાર્ટીઝ અને મેગ્જિન અને બાઈક મળી ૭૧ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
(પ્રતિનિધિ) ભરૂચ, આજે રાતે એક કામ કરવાનું છે.તેમ કહી વાગરાના જોલવા ખાતે પંક્ચરની દુકાન ધરાવતા યુવાને પોતાના મિત્રને અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ખાતે બોલાવ્યો હતો.મિત્રને દેશી પિસ્તોલ,૧૪ કાર્ટીઝ અને ૨ મેગ્જિન આપતા જ પોલીસની એન્ટ્રી પડી હતી અને એક આરોપીને હથિયાર સાથે ઝડપી લેવાયો હતો.
ભરૂચ એલસીબીએ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે સર્વિસ રોડ ઉપરથી દેશી પિસ્તોલ,૧૪ કાર્ટીઝ અને ૨ મેગ્જિન અને બાઈક મળી કુલ ૭૧ હજારના મુદ્દામાલ સાથે બે પૈકી એકને પકડી લીધો હતો. અંકલેશ્વર વિસ્તારમાં ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો.
તે દરમ્યાન બાતમી મળી હતી કે રાજપીપળા ચોકડી ઓવર બ્રિજ તરફ જવાના માર્ગ ઉપર સર્વિસ રોડ પૂરો થાય છે ત્યાં બે ઈસમો ઉભા છે. બંને પૈકી એક પાસે પિસ્તોલ છે અને કોઈ ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે.બાતમીના આધારે પોલીસ કાફલો સ્થળ પર ધસી ગયો હતો.પોલીસને જોઈ બંને ઈસમો ભાગવા જતાં એક ઈસમને ઝડપી લેવાયો હતો.યુવાન પાસેથી એક દેશી પિસ્તોલ,૧૪ કાર્ટીઝ અને ૨ મેગ્જિન, બાઈક મળી કુલ ૭૧ હજારના મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
મૂળ બોટાદ અને હાલ વાગરા તાલુકાના જોલવા ગામની પાણીની ટાંકી પાસે ઝુપડ પટ્ટીમાં રહેતો ભરત માલા બાંબાની પૂછપરછ હાથ ધરાઈ હતી. તેનો મિત્ર અને જોલવા ગામના એચ.પી પેટ્રોલ પંપ પાસે પંચરની દુકાન ચલાવતો અને ગડખોલ ગામની પરિશ્રમ સોસાયટીમાં રહેતો રોહિત સુનિલ મંડલએ આજે રાત્રે એક કામ કરવાનું છે.
જેથી તું રાજપીપળા ચોકડી આવી જા તેમ કહેતા તે ત્યાં પહોંચ્યો હતો. મિત્ર રોહિત મંડલે ભરત બાંબાને પિસ્તોલ અને કાર્ટીઝ આપ્યા હતા.જે બાદ કઈક કહે તે પહેલા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને ફરાર રોહિત મંડલને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.