ગોડાઉનમાં કેમિકલયુક્ત થેલીઓનો જથ્થો GPCB માટે તપાસનો વિષય બન્યો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વરની તાપી હોટલ પાછળ આવેલાં ગોડાઉનમાં મંજૂરી વિના જોખમી ડ્રમ ધોઈને પ્રદૂષણ ફેલાવતાં સંચાલક સામે પોલીસે કાર્યવાહી હાથધરી છે.નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર તાપી હોટલ સામે આવેલા પ્લોટમાં દેવજી લાલજી વાઘેલાના ગોડાઉનમાં સર્ચ કરતા ગોડાઉનમાં અસંખ્ય રાસાયણિક કેમિકલયુક્ત ડ્રમ મળી આવ્યા હતા.
આ ડ્રમને ગોડાઉનની અંદર જ ધોવામાં આવતાં હોવાથી કેમિકલયુકત પાણી જાહેરમાં વહી જતું હતું.આ કામગીરી માટે જીપીસીબી કે અન્ય કોઈ સક્ષમ અધિકારીની મંજૂરી પણ લેવામાં આવી ન હતી. જીપીસીબીને જાણ કરતા મોનીટરીંગ ટીમ સ્થળ આવી હતી અને પાણી તથા કેમિકલના નમૂના તપાસ માટે લીધા હતા.પ્રાથમિક રીપોર્ટમાં આ કેમિકલમાં જોખમી રસાયણો હોવાનું જણાતા ગોડાઉનના માલિક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.આરોપી ડ્રમ કોની પાસેથી લાવ્યો હતો તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આજ ગોડાઉનની બિલકુલ પાછળ એક કેમિકલયુક્ત થેલીઓનો જથ્થો હોવાનુ વિડીયોમાં સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે.તો શું આ જથ્થો ત્યાં કઈ રીતે અને કેમ પડ્યો છે એ બાબતે જીપીસીબીના અધિકારીઓ કે પોલીસે તપાસ કેમ ન કરી?
જોકે કેમિકલયુક્ત થેલીઓ ધોવાતા તેનું પ્રદૂષિત પાણી પ્રદુષણ જ ફેલાવવાનું કાર્ય કરે છે તો આની તપાસ કાર્યવાહી કેમ નહી તે પણ એક તપાસનો વિષય ઉભો થયો છે? સમગ્ર વિસ્તારમાં કેમિકલયુક્ત થેલીઓ ધોવાણ કરી સંગ્રહ કરવાનો પરવાનો આપી દેવામાં આવ્યો હોય તેમ હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે.