એરપોર્ટ પરથી વધુ ૧૬.૪૪ લાખનું દાણચોરીનું સોનું ઝડપાયું

અમદાવાદ, સોનાના ભાવ સતત વધતા જઇ રહ્યા છે ત્યારે ફરી એક વખત અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીનું પ્રમાણ પણ વધતું જઇ રહ્યું છે.
અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીએ કુવૈતથી આવેલા એક મુસાફર પાસેથી ૧૬૭.૧૦૦ ગ્રામ સોનું ઝડપી લીધું હતું. મુસાફરે બદામના પેકેટમાં સોનું છૂપાવ્યું હતું. રૂપિયા ૧૬.૪૩ લાખનું સોનું ડિપાર્ટમેન્ટ દ્વારા જપ્ત કરીને આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા અઠવાડિયામાં દાણચોરીના સોનાના ત્રણ કેસ કરવામાં આવ્યા છે.
દાણચોરો માટે હોટ ફેવરિટ અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે જ એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીને માહિતી મળી હતી કે કુવૈતથી આવી રહેલી ફલાઇટ નં ૬ઈ- ૧૨૪૪માં એક મુસાફર દાણચોરીનું સોનું લઇને આવી રહ્યો છે.
ફ્લાઇટ લેન્ડ થતાંની સાથે જ બાતમીવાળા મુસાફરને અલગ તારવવામાં આવ્યો હતો. તેની પૂછપરછમાં સંતોષકારક જવાબ નહીં મળતાં ડિપાર્ટમેન્ટ દ્વારા તેનો સામાન ચેક કરવામાં આવ્યો હતો.
જેમાં બદામના પેકેટમાં લીલી-પીળી બેગમાં એક સોનાનો ટુકડો છૂપાવીને લાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ૨૪ કેરેટ સોનાના ટુકડાનું વજન ૧૬૭.૧૦૦ ગ્રામ હતું. જેની બજાર કિંમત ૧૬.૪૩ લાખ રૂપિયા થાય છે. ડિપાર્ટમેન્ટ દ્વારા સોનું કબજે કરીને પેડલરની પૂછપરછ કરવામાં આવી રહી છે.
હાલ સોનું કોના માટે લાવવામાં આવ્યું હતું. તેની પણ તપાસ ચાલી રહી છે. દાણચોરીનું સોનું અમદાવાદ અને રાજકોટ સોની બજારમાં પહોંચાડવાનું હોવાની વિગતો મળી રહી છે.SS1MS