Western Times News

Gujarati News

રાજ્ય સરકારની વધુ એક સિદ્ધિઃ ખાણ અને ખનિજ ક્ષેત્રે ગુજરાત અવ્વલ

“રાષ્ટ્રીય ખનિજ વિકાસ પુરસ્કાર” અંતર્ગત સમગ્ર દેશમાં ગુજરાતે કેટેગરી-૩ હેઠળ ગૌણ ખનિજોની ઇ-હરાજી માટે પ્રથમ ક્રમ હાંસલ કર્યો – કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે રૂ. ૩ કરોડનો પુરસ્કાર એનાયત

નવી દિલ્હી ખાતે તા. ૧૨ જુલાઈ, ૨૦૨૨ના રોજ ખાણ અને ખનિજ વિભાગની યોજાયેલી છઠ્ઠી રાષ્ટ્રીય કોન્ક્લેવમાં ગુજરાતને સમગ્ર દેશમાં કેટેગરી-૩ હેઠળ ગૌણ ખનિજોની ઇ-હરાજી માટે પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે રૂ. ૩ કરોડનો પુરસ્કાર રાજ્ય સરકાર વતી રાજ્ય કક્ષાના ઉદ્યોગ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ સ્વીકાર્યો હતો.

કેન્દ્ર સરકાર દ્વારા ઇ-હરાજીથી ખનિજોની ફાળવણી કરવા માટે ખનિજનું સંશોધન ઝડપથી થાય, સંશોધન થયેલ વિસ્તારો હરાજી પ્રક્રિયા હેઠળ આવે અને હરાજી થયા બાદ જે-તે વિસ્તારમાં ખનિજ ઉત્પાદન શરૂ થઈ શકે તે માટે પહેલ કરનાર રાજ્ય સરકારોને પ્રોત્સાહન મળી રહે તે માટે કેન્દ્ર સરકારના ખાણ મંત્રાલય દ્વારા ૩ જુદી જુદી કેટેગરી માટે આ વર્ષથી “રાષ્ટ્રીય ખનિજ વિકાસ પુરસ્કાર” આપવાનું શરૂ કરાયું છે

જેમાં લાઇમસ્ટોન, બોક્સાઇટ અને આયર્ન ઓર ખનિજ કેટેગરી, લાઇમસ્ટોન, બોક્સાઇટ અને આયર્ન ઓર સિવાયના અન્ય મુખ્ય ખનિજ કેટેગરી તથા સાદી રેતી ગ્રેવલ સિવાયના અન્ય ગૌણ ખનિજો માટેની કેટેગરીનો સમાવેશ થાય છે. આ પુરસ્કાર હેઠળ દરેક કેટેગરીમાં ત્રણ પુરસ્કાર આપવામાં આવે છે.  જેમાં પુરસ્કારની રકમ પેટે પ્રથમ ક્રમે રૂ. ૩ કરોડ, બીજા ક્રમે રૂ. ૨ કરોડ અને ત્રીજા ક્રમે રૂ. ૧ કરોડની રકમ તથા પારિતોષિક આપવામાં આવે છે.

અત્રે ઉલ્લખનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૫માં  કુદરતી સંપંત્તિ-ખનિજોની ફાળવણી યોગ્ય, પારદર્શક, ભેદભાવરહિત અને સ્પર્ધાત્મક રીતે થાય તથા મહેસૂલી આવક વધે તે હેતુસર દેશમાં ખનિજોની ફાળવણી માટે ઇ-હરાજી પદ્ધતિ લાગુ કરવામાં આવી છે.

જેના ભાગરૂપે ખાણકામના કાયદા “ધ માઇન્સ એન્ડ મિનરલ્સ (ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ, ૧૯૫૭” તથા તેના અંતર્ગત નિયમોમાં સુધારો કરાયો છે.

રાજ્ય સરકાર દ્વારા પણ ગુજરાતમાં કેન્દ્ર સરકારની અનુરૂપ ઇ-હરાજી પદ્ધતિ અપનાવી વર્ષ ૨૦૧૭ થી ગૌણ ખનિજો માટે પણ ઇ-હરાજી પદ્ધતિ અમલમાં મૂકી છે. જે અંતર્ગત વર્ષ ૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧ દરમિયાન ગૌણ ખનીજોના કુલ ૧૫૩૩ બ્લોક જાહેર હરાજીથી ફાળવવા માટે મૂકવામાં આવ્યાં હતાં. તે પૈકી ૯૭૫ બ્લોકમાં સફળતાપૂર્વક જાહેર હરાજી પૂર્ણ થઈ છે. આ હરાજીથી રાજ્ય સરકારને રોયલ્ટી તથા પ્રિમિયમ પેટે રૂ. ૨,૧૦૪ કરોડની આવક થનાર છે.

આ પ્રસંગે ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર તથા ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજના કમિશ્નર શ્રી રૂપવંત સિંહ ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.