કાંકરીયા વ્યાયામ શાળા ગ્રાઉન્ડ પર ઉભી કરાયેલી બાળનગરી કાર્નિવલનું અનેરું આકર્ષક બની
મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વ્યાયામ શાળા ગ્રાઉન્ડ પર ઉભી કરાયેલી બાળનગરી કાર્નિવલનું અનેરું આકર્ષક બની
(એજન્સી) અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા છેક વર્ષ ર૦૦૮થી કરોડો રૂપિયાના ખર્ચે વિકસિત કરાયેલા કાંકરિયા લેકફ્રન્ટ ખાતે રપ થી ૩૧ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.
કાંકરિયા કાર્નિવલ દરમિયાન સાત દિવસ સુધી લેકફ્રન્ટ પર બનાવાયેલા ત્રણ સ્ટેજ પર વિવિધ પ્રકારના મનોરંજક કાર્યક્રમો મુલાકાતીઓને લોભાવી રહ્યા છે. આ કાર્નિવલના પ્રારંભના દિવસે જ તંત્ર દ્વારા વ્યાયામશાળા ગ્રાઉન્ડ પર બાળનગરીનો પ્રારભ કરાયો હતો. કાર્નિવલની ઉજવણીના ભાગરૂપે શરૂ કરાયેલી આ બાળનગરીએ ભૂલકાંઓમાં ભારે ઘેલું લગાડ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના શાસનાધિકારી ડો. એલ.ડી. દેસાઈ કહે છે, ગયા સોમવારે મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ઉભી કરવામાં આવેલી બાળનગરીનું ઉદ્ઘાટન મેયર પ્રતિભા જૈન દ્વારા કરવામાં આવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને સ્કુલબોર્ડના ચેરમેન ડો. સુજય મહેતા વગેરેની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રારંભાયેલી બાળનગરીમાં કાઉલિંગ, ટારઝન, જમ્પ, મંકીબ્રિજ, વુડનબેલેન્સિંગ, ટાયર ટનલ, ટાયર ચીમની, હેગિંગબ્રિજ, બોગદા ક્રોસિંગ અને ટાયર જમ્પ જેવી વિવિધ ૧૦ એડવેન્ચર પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્કાઉટ ગાઈડની આ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ માટે ખુબ મહત્વની છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાની આ પ્રવૃત્તિઓ બાળકોમાં મનોરંજન સાથે નીડરતા, સાહસિક વૃત્તિનું નિર્માણ કરવું તથા શરીર-સૌષ્ઠવ વિકસાવવા માટે આદર્શરૂપ છે. મ્યુનિસિપલ સ્કુલબોર્ડની આ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓની સાથે-સાથે તેમના વાલીઓમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે તેમ પણ મ્યુનિસિપલ સ્કુલબોર્ડના શાસનાધિકારી ડો. એલ.ડી. દેસાઈ જણાવે છે.
કાંકરિયા કાર્નિવલ અંતર્ગત કાલે કીર્તિદાન ગઢવીના ડાયરા વખતે મેયર પ્રતિભા જૈન તથા અન્ય મહિલા કોર્પોરેટરોએ પુષ્પકુંજના મેઈન સ્ટેજ પર ઉત્સાહપૂર્વક ગરબા રમ્યા હતા. ગુજરાતના ગરબાને આંતરરાષ્ટ્રીય કક્ષાને અનુલક્ષીને મેયર પ્રતિભા જૈને આ બાબતને ઉમળકાભેર વધાવી લીધી હતી.